
જૂનાગઢ 18 જાન્યુઆરી (હિ.સ.) ઇતિહાસમાં પ્રથમ વખત ગિરનારની ગોદમાં જટાશંકર મહાદેવ મંદિરના જીર્ણોધ્ધાર લાભાર્થે શ્રીમદ્ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. આગામી તા. 19 મીથી 27 જાન્યુઆરી દરમિયાન જટાશંકર મહાદેવ ભાગવતાચાર્ય પટાંગણ. ગિરનાર પર્વત, જૂનાગઢ ખાતે આ ધાર્મિક અને આધ્યાત્મિક મહોત્સવ યોજાશે. તા. 28 જાન્યુઆરીના રોજ દેવીયાજ્ઞ, મહાકાલી તથા શિવ મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે.
જટાશંકર મહાદેવ મંદિરના મહંત પૂર્ણાનંદજી ગુરુ બાલાનંજીએ જણાવ્યું હતું કે, બ્ર.પૂ. ગોપાલાનંદજી ગુરુ પ્રેમાનંદજી બાપુ, બાલાનંદજી ગુરુ ગોપાલાનંદજી બાપુના આશીર્વાદ અને જટાશંકર મહાદેવની કૃપાથી આ કથાનું આયોજન કરાયું છે. આ નવદિવસીય દેવી ભાગવત જ્ઞાનયજ્ઞમાં કથાકાર વક્તા ડો. મહાદેવપ્રસાદ મહેતા (વિદ્યા- વાચસ્પતિ) દ્વારા માં ભગવતીનો મહિમા, શક્તિ ઉપાસના, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો સંદેશ અપાશે.
કથા દરમિયાન દેવીના વિવિધ પ્રસંગો જેવા કે હયગ્રીવ પ્રાગટ્ય, શુકદેવ પ્રાગટ્ય, પરમેશ્વરી પ્રાગટ્ય, મહિષાસુર મોક્ષ, અંબિકા માતા દર્શન, રાધાકૃષ્ણ ઉપાસના. તુલસી વિવાહ, ગાયત્રી મહાવિદ્યા તથા દેવીઆગમ અને મહાકાળી તથા શિવ ભક્તિ પ્રાગટ્ય જેવા પવિત્ર પ્રસંગોનું ભાવભર્યું વર્ણન કરવામાં આવશે. દરરોજ સવારના 9થી બપોરે 1 વાગ્યા સુધી આ કથા યોજાશે. પર્યાવરણ સંરક્ષણના હેતુ માટે કથા સ્થળે પ્લાસ્ટિક પ્રતિબંધિત રહેશે. આથી પ્લાસ્ટિક થેલીઓ, બોટલ્સ, કપ કે અન્ય પ્લાસ્ટિક સામગ્રી લઈને આવવું નહીં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ