
બેંગલુરુ, નવી દિલ્હી, 20 જાન્યુઆરી
(હિ.સ.) કેરળના પ્રખ્યાત સબરીમાલા અયપ્પા સ્વામી મંદિરમાંથી 4.5 કિલોગ્રામ
સોનાની ચોરીના સંદર્ભમાં, મંગળવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ, બેંગલુરુ અને
બલ્લારીમાં એક સાથે દરોડા પાડ્યા હતા. શંકાસ્પદ મની લોન્ડરિંગને કારણે ઇડીએ, આ કાર્યવાહી
કરી હતી. દરોડા દરમિયાન અનેક મુખ્ય સ્થળોએ તલાશી લેવામાં આવી હતી અને દસ્તાવેજોની
તપાસ કરવામાં આવી હતી.
ઇડી અધિકારીઓએ, બેંગલુરુમાં શ્રીરામપુર અયપ્પા મંદિરના ટ્રસ્ટી
અને કેસના મુખ્ય આરોપી ઉન્નીકૃષ્ણન પોટ્ટીના નિવાસસ્થાન અને અન્ય ઘણા ટ્રસ્ટીઓના
ઘરો પર દરોડા પાડ્યા હતા. બલ્લારીમાં પ્રતિષ્ઠિત રોડ્ડમ જ્વેલરી શોરૂમ અને તેના
માલિક ગોવર્ધનના નિવાસસ્થાન પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. ઇડીના નવ અધિકારીઓની
ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. અધિકારીઓ તેમના નાણાકીય વ્યવહારો સંબંધિત રેકોર્ડની
સંપૂર્ણ તપાસ કરી રહ્યા છે.
તપાસ એજન્સીઓ અનુસાર, આ કેસમાં બલ્લારી સોનાના વેપારી ગોવર્ધનની ભૂમિકા
મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવો આરોપ છે કે, મુખ્ય આરોપી ઉન્નીકૃષ્ણન પોટીએ
સબરીમાલા મંદિરમાંથી ચોરાયેલું સોનું ગોવર્ધનને વેચી દીધું હતું. કેરળની સ્પેશિયલ
ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)
એ પહેલાથી જ
ગોવર્ધનની ધરપકડ કરી છે અને 470 ગ્રામ સોનું ખરીદવાના આરોપમાં તેને ન્યાયિક કસ્ટડીમાં
મોકલી દીધો છે. મોટા પાયે ગેરકાયદેસર નાણાકીય વ્યવહારોની શક્યતા બહાર આવતા, એન્ફોર્સમેન્ટ
ડિરેક્ટોરેટ (ઇડી) એ પ્રિવેન્શન ઓફ
મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ તપાસ શરૂ કરી છે.
નોંધનીય છે કે, 2019 માં, સબરીમાલા મંદિરમાં દ્વારપાલ મૂર્તિઓ પર સોનાનું પ્લેટિંગ
કરતી વખતે આશરે 4.5 કિલોગ્રામ સોનું
ગુમ થયું હતું. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, કેરળ હાઇકોર્ટે વિગતવાર તપાસનો આદેશ આપ્યો હતો.
આજ સુધીમાં, આ કેસમાં 12 થી વધુ લોકોની
ધરપકડ કરવામાં આવી છે.જેમાં સબરીમાલાના ભૂતપૂર્વ મુખ્ય પૂજારી (તંત્રી) કંદરારુ
રાજીવ અને ત્રાવણકોર દેવસ્વમ બોર્ડના ભૂતપૂર્વ પ્રમુખનો સમાવેશ થાય છે.
મુખ્ય આરોપી ઉન્નીકૃષ્ણન પોટ્ટી પાસેથી સોનાની ખરીદીના
આરોપોએ કર્ણાટકના બલ્લારીમાં થયેલા કેસ સાથે જોડાણો જાહેર કર્યા છે. આ
પૃષ્ઠભૂમિમાં, ઇડીએ હવે કર્ણાટકમાં
પણ તેની તપાસ તીવ્ર બનાવી છે. આગામી દિવસોમાં વધુ મહત્વપૂર્ણ ખુલાસા અને ધરપકડની
અપેક્ષા છે.
હિન્દુસ્થાન સમાચાર / રાકેશ મહાદેવપ્પા / સુનિલ સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ