
નવી દિલ્હી, 5 જાન્યુઆરી (હિ.સ.). 2026 ના ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માંથી બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને બાકાત રાખ્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ટી-20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમ ભારત ન મોકલવાનો નિર્ણય લીધા બાદ, બાંગ્લાદેશે હવે તેના દેશમાં આઈપીએલ ના પ્રસારણ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આઈપીએલ માર્ચમાં શરૂ થવાનું છે.
બાંગ્લાદેશ પ્રેસ ઇન્ફર્મેશન ડિપાર્ટમેન્ટે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બાંગ્લાદેશના લોકો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા કોલકતા નાઈટ રાઇડર્સ ટીમમાંથી બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનને બાકાત કર્યા બાદ રોષે ભરાયા છે. ગયા મહિને મીની-ઓક્શનમાં કેકેઆર એ, મુસ્તફિઝુરને ₹9.20 કરોડમાં ખરીદ્યો હતો. ભારતમાં ઘણા રાજકારણીઓ અને કથાવાચકોએ મુસ્તફિઝુરના નિર્ણયનો વિરોધ કર્યો હતો.
રવિવારે અગાઉ, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સુરક્ષા ચિંતાઓને ટાંકીને, આગામી મહિને યોજાનાર પુરુષ ટી-20 વર્લ્ડ કપ 2026 માટે તેની ટીમ ભારત ન મોકલવાનો નિર્ણય લીધો હતો. તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદને શ્રીલંકામાં મેચોનું આયોજન કરવા વિનંતી કરી છે.
ટી-20 વર્લ્ડ કપ, 2026, 7 ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકામાં યોજાશે. બાંગ્લાદેશ કોલકતામાં ત્રણ લીગ મેચ રમશે, જ્યારે એક મુંબઈમાં.
હિન્દુસ્થાન સમાચાર / વીરેન્દ્ર સિંહ / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ