
વેલિંગ્ટન, નવી દિલ્હી, 7 જાન્યુઆરી (હિ.સ.). ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન અને મેટ હેનરી આગામી પુરુષોના ટી-20 વર્લ્ડ કપ 2026 દરમિયાન કેટલીક મેચો માટે પિતૃત્વ રજા (પેટરનિટી લીવ) લઈ શકે છે. બંને ખેલાડીઓના ભાગીદારો ટુર્નામેન્ટ સમયગાળા દરમિયાન બાળકને જન્મ આપવાના છે, તેથી તેમને ટૂંકી રજા આપવામાં આવે તેવી શક્યતા છે.
ફર્ગ્યુસન અને હેનરી, જે હાલમાં પગની ઘૂંટીની ઇજાઓથી સ્વસ્થ થઈ રહ્યા છે, તેમને ન્યુઝીલેન્ડની 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ફિન એલન (આંગળી/હેમસ્ટ્રિંગ), માર્ક ચેપમેન (પગની ઘૂંટી), અને કેપ્ટન મિશેલ સેન્ટનર (એડક્ટર) પણ ઇજામાંથી સ્વસ્થ થવાની પ્રક્રિયામાં છે. ફર્ગ્યુસન નવેમ્બર 2024 થી ન્યુઝીલેન્ડ માટે રમ્યો નથી.
ન્યુઝીલેન્ડ ક્રિકેટ (એનઝેડસી) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જે ખેલાડીઓ ઇજાઓથી પીડાઈ રહ્યા છે તેઓ બધા તેમની વાપસીની યોજનાઓ પર કામ કરી રહ્યા છે અને ટુર્નામેન્ટ માટે ફિટ થવાના માર્ગ પર છે.
જુલાઈમાં ન્યૂઝીલેન્ડ માટે છેલ્લે રમનાર ફાસ્ટ બોલર એડમ મિલ્ને અને ઓલરાઉન્ડર જેમ્સ નીશમનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેકબ ડફી પોતાનો પહેલો વર્લ્ડ કપ રમશે. કાયલ જેમિસનને ટ્રાવેલિંગ રિઝર્વ તરીકે સામેલ કરવામાં આવ્યો છે.
એનઝેડસી એ, એ પણ સ્પષ્ટતા કરી કે, જરૂર પડ્યે ફર્ગ્યુસન અને હેનરીને પિતૃત્વ રજા (પેટરનિટી લીવ) આપવામાં આવશે.
ફિન એલન, ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર અને ટિમ સીફર્ટને પસંદ કરવામાં આવતા ટોચના ક્રમમાં તીવ્ર સ્પર્ધાને કારણે ટીમ રોબીન્સન ને ટીમમાં સ્થાન મળી શક્યું ન હતું. સીફર્ટ વિકેટકીપિંગની જવાબદારી સંભાળશે, જ્યારે કોનવે બેકઅપ તરીકે ઉપલબ્ધ રહેશે.
મુખ્ય કોચ રોબ વોલ્ટરે કહ્યું, હંમેશાની જેમ, ટીમનું સંતુલન મહત્વપૂર્ણ છે. અમારી પાસે બેટિંગ તાકાત અને કૌશલ્ય છે, પરિસ્થિતિઓને અનુકૂલન કરી શકે તેવા ગુણવત્તાવાળા બોલરો છે, અને પાંચ ઓલરાઉન્ડર છે જે બધા અલગ રીતે યોગદાન આપી શકે છે. આ એક અનુભવી ટીમ છે, અને ખેલાડીઓને ઉપખંડમાં રમવાનો સારો અનુભવ છે, જે અમારા માટે ફાયદાકારક રહેશે.
ન્યુઝીલેન્ડને અફઘાનિસ્તાન, કેનેડા, દક્ષિણ આફ્રિકા અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) સાથે ગ્રુપ ડી માં મૂકવામાં આવ્યું છે. ટીમ 8 ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં અફઘાનિસ્તાન સામે પોતાની પહેલી મેચ રમશે.
ટી-20 વર્લ્ડ કપ પહેલા, ન્યુઝીલેન્ડ ભારતનો પ્રવાસ કરશે, જ્યાં તેઓ ત્રણ મેચની વનડે શ્રેણી બાદ, ભારત સામે પાંચ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે.
ન્યુઝીલેન્ડ ટીમ (ટી-20 વર્લ્ડ કપ 2026):
મિચેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, જેકબ ડફી, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ડેરિલ મિચેલ, એડમ મિલ્ને, જેમ્સ નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, ટિમ સીફર્ટ, ઇશ સોઢી.
ટ્રાવેલિંગ રિઝર્વ: કાયલ જેમીસન.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ