
નવી દિલ્હી, 8 જાન્યુઆરી (હિ.સ.): ઉત્તર ભારત હાલમાં તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસનો સામનો કરી રહ્યું છે, જેની સીધી અસર રેલ અને હવાઈ ટ્રાફિક પર પડી રહી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ધુમ્મસના કારણે અનેક ફ્લાઇટ્સ મોડી પડી છે અને ફ્લાઇટ ઓપરેશન્સ ખોરવાઈ ગયા છે.
બુધવારે સવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય (આઈજીઆઈ) એરપોર્ટ પર ગાઢ ધુમ્મસના કારણે હવાઈ ઓપરેશન્સ ખોરવાઈ ગયા હતા. દૃશ્યતા 50 મીટરથી નીચે આવી ગઈ હતી, જેના પરિણામે સાત ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જ્યારે 100 થી વધુ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઇટ્સ કલાકો સુધી મોડી પડી હતી. ઓછી દૃશ્યતાને કારણે પાઇલટ્સને ટેકઓફ અને લેન્ડિંગમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
વિવિધ રાજ્યોથી રાષ્ટ્રીય રાજધાનીમાં આવતી ઘણી મોટી ટ્રેનો કલાકો સુધી મોડી ચાલી રહી છે, જેના કારણે મુસાફરોને અસુવિધા થઈ રહી છે. ઇન્ડિગોની દિલ્હી-અમૃતસર ફ્લાઇટ 6ઈ-5103 રદ કરવામાં આવી હતી. સ્પાઇસજેટની દિલ્હી-વારાણસી ફ્લાઇટ એસજી-8718 અને દિલ્હી-શ્રીનગર ફ્લાઇટ એસજી-661 રદ કરવામાં આવી હતી. એર ઇન્ડિયા એક્સપ્રેસની દિલ્હી-અમૃતસર ફ્લાઇટ આઈએક્સ-1683 અને એર ઇન્ડિયાની દિલ્હી-ગુવાહાટી ફ્લાઇટ આઈએક્સ-1030 પણ રદ કરવામાં આવી હતી, જેમાં કેટલીક ફ્લાઇટ્સ મોડી પડી હતી.
ઇન્ડિગોએ એક્સ પર હવાઈ મુસાફરો માટે મુસાફરી એડવાઇઝરી જારી કરી છે. કંપનીએ જણાવ્યું હતું કે, પ્રયાગરાજમાં ઓછી દૃશ્યતા અને ધુમ્મસ ફ્લાઇટના સમયપત્રકને અસર કરી શકે છે. અમે હવામાન પર નજીકથી નજર રાખી રહ્યા છીએ અને તમે તમારા ગંતવ્ય સ્થાને સુરક્ષિત અને સરળતાથી પહોંચી શકો તે માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ.
એરલાઇને ઉમેર્યું, અમે તમને અમારી વેબસાઇટ અથવા એપ્લિકેશન દ્વારા તમારી ફ્લાઇટની સ્થિતિ તપાસવાનું ચાલુ રાખવા વિનંતી કરીએ છીએ. કૃપા કરીને ખાતરી રાખો કે અમારી ટીમો તમને દરેક પગલામાં મદદ અને ટેકો આપવા માટે અહીં છે. અમને આશા છે કે આકાશ સ્વચ્છ થશે અને અમે ટૂંક સમયમાં અમારા નિયમિત સમયપત્રક પર પાછા આવીશું. તમારી ધીરજ અને સમજણ બદલ આભાર.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ