સુરતમાં ફરી MD ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો, અગાઉ પણ ₹35 લાખના ડ્રગ્સ કેસમાં થઈ હતી ધરપકડ
સુરત, 01 ઓક્ટોબર (હિ.સ.) સુરતના પુણા વિસ્તારમાં પોલીસે MD ડ્રગ્સના જથ્થા સાથે 28 વર્ષીય મોહંમદ રેહાન જમીલ અહમદ અંસારીની ધરપકડ કરી છે. ન્યુ એપીએમસી ફ્રૂટ માર્કેટ નજીક પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી મોપેડ પર જઈ રહેલા રેહાનને અટકાવ્યો હતો. તપાસ દરમ
Caught Again with MD Drugs


સુરત, 01 ઓક્ટોબર (હિ.સ.) સુરતના પુણા વિસ્તારમાં પોલીસે MD ડ્રગ્સના જથ્થા સાથે 28 વર્ષીય મોહંમદ રેહાન જમીલ અહમદ અંસારીની ધરપકડ કરી છે. ન્યુ એપીએમસી ફ્રૂટ માર્કેટ નજીક પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી મોપેડ પર જઈ રહેલા રેહાનને અટકાવ્યો હતો. તપાસ દરમિયાન તેના ખિસ્સામાંથી 3.26 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. FSLની પ્રાથમિક તપાસમાં પણ માદક પદાર્થની પુષ્ટિ થઈ હતી. પોલીસે ડ્રગ્સ ઉપરાંત મોપેડ, મોબાઇલ અને ડિજિટલ વજનકાંટા સહિત કુલ ₹70,180નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસની પૂછપરછમાં રેહાને પોતે MD ડ્રગ્સના સેવનનો આદી હોવાનું જણાવ્યું હતું. તેણે આ ડ્રગ્સ નવસારી બજાર વિસ્તારમાં રહેતા નદીમ નામના વ્યક્તિ પાસેથી ખરીદ્યું હોવાની કબૂલાત કરી હતી. આ મામલે પુણા પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી નદીમને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેની શોધખોળ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ, રેહાન ભાઠેના વિસ્તારમાં નાસ્તાની લારી ચલાવતો હતો અને તેની પાસેથી મળેલા ડ્રગ્સની કિંમત આશરે ₹9,780 આંકવામાં આવી છે.

નોંધનીય છે કે રેહાન ભાજપના લઘુમતી મોરચાના પૂર્વ ઉપપ્રમુખ જમીલ અંસારી ઉર્ફે જમીલ બિરયાનીનો પુત્ર છે. ઓગસ્ટ 2024માં સુરત SOGએ રાજસ્થાનથી આશરે ₹35 લાખનું ડ્રગ્સ મંગાવવાના કેસમાં રેહાન સહિત અનેક લોકોની ધરપકડ કરી હતી. તે કેસમાં જેલવાસ ભોગવ્યા બાદ ફરી એકવાર ડ્રગ્સ સાથે ઝડપાતાં પોલીસે સમગ્ર નેટવર્ક અને ડ્રગ્સના સપ્લાય અંગે વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande