
નવી દિલ્હી, 01 ઓક્ટોબર (હિ.સ.). કેન્દ્ર સરકારે ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)ના નિકાસ પર અપ્રત્યાશિત લાભ કર (વિન્ડફોલ ટેક્સ) ઘટાડ્યો છે, જ્યારે પેટ્રોલ પર લાગતા ટેક્સમાં કોઈ ફેરફાર કર્યો નથી. નવા દરો ગુરુવારથી લાગુ થઈ ગયા છે.
નાણા મંત્રાલયની અધિસૂચના અનુસાર, કેન્દ્ર સરકારે ડીઝલ અને એટીએફના નિકાસ પર લાગતા અપ્રત્યાશિત લાભ કરમાં ઘટાડો કર્યો છે. જોકે, પેટ્રોલની નિકાસ માટે ટેક્સના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અધિસૂચના અનુસાર, ડીઝલની નિકાસ પર 4 રૂપિયા અને એટીએફ પર 4.50 રૂપિયા પ્રતિ લિટર શુલ્ક ઘટાડવામાં આવ્યો છે, જે 01 ઓક્ટોબરથી લાગુ થઈ ગયો.
અધિસૂચના મુજબ, ડીઝલ પરની નિકાસ ડ્યુટી 20 રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને 16 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે. જ્યારે, એટીએફ પર લાગતી નિકાસ ડ્યુટી 15 રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને 10.5 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે, જ્યારે પેટ્રોલની નિકાસ ડ્યુટીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે 0.5 રૂપિયા પ્રતિ લિટર પર જ યથાવત છે. સુધારેલા દરો બે અઠવાડિયા માટે લાગુ રહેશે.
નોંધનીય છે કે, ગયા મહિને 16 સપ્ટેમ્બરે પણ સરકારે અપ્રત્યાશિત લાભ કર ઘટાડ્યો હતો. તે સમયે ડીઝલ પરની ડ્યુટીમાં પાંચ રૂપિયા પ્રતિ લિટર અને એટીએફ પર ચાર રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો હતો, જેના પછી ડીઝલ પરની ડ્યુટી 20 રૂપિયા પ્રતિ લિટર અને એટીએફ પરની ડ્યુટી 15 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ હતી. 01 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં ડીઝલ પર કુલ 9 રૂપિયા પ્રતિ લિટર અને એટીએફ પર 8.5 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ