જૂનાગઢમાં મંત્રી પ્રવીણ માળી એ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની શ્રમદાન કર્યું
જૂનાગઢ, 01 ઓક્ટોબર (હિ.સ.) : રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા પરિવહન રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ મહાત્મા ગાંધીજીની જન્મજયંતી અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગુરુવારે જૂનાગઢના કાળવા ચોક ખાતેની કડિયાવાડ બજારમાં સફાઈ ઝુંબેશમાં જોડાઈને સ્વચ્છત
જૂનાગઢમાં રાજ્યના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી


જૂનાગઢ, 01 ઓક્ટોબર (હિ.સ.) : રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા પરિવહન રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ મહાત્મા ગાંધીજીની જન્મજયંતી અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગુરુવારે જૂનાગઢના કાળવા ચોક ખાતેની કડિયાવાડ બજારમાં સફાઈ ઝુંબેશમાં જોડાઈને સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું હતું.

રાજ્યમંત્રીએ સફાઈ અભિયાનમાં સહભાગી થવાની સાથે સફાઈ કર્મચારીઓ અને કડિયાવાડ બજારના લારીધારકો સાથે સરળ અને સહજ ભાવે સંવાદ સાધ્યો હતો. તેમણે સફાઈ કર્મચારીઓને આરોગ્ય માટે જરૂરી તકેદારી રાખવા પણ સૂચના આપી હતી. ઉપરાંત, લારીધારકો સાથે સહજ ભાવે વાતચીત કરતાં વધુ સારી સ્વચ્છતા જળવાય તે માટે સહિયારો પ્રયાસ કરવા પર ભાર મૂક્યો હતો. સાથે જ, તેમણે અહીંના શાકભાજીના નાના વેપારીઓને પ્રોત્સાહિત કરતાં તેમની પાસેથી પ્રતીકાત્મક રીતે ખરીદી પણ કરી હતી.

રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, દેશભરની સાથે સાથે જૂનાગઢમાં પણ સફાઈ ઝુંબેશ યોજાઈ રહી છે. મહાત્મા ગાંધીજીએ સ્વચ્છતા માટેની જે ચળવળ શરૂ કરી હતી, તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગળ વધારી દેશ અને નગરને સ્વચ્છ બનાવવાનું આહ્વાન કર્યું છે. આ માટે સ્વચ્છતાનો આગ્રહ રોજિંદા જીવનનો ભાગ બનવો જરૂરી છે. તેમણે આધ્યાત્મિક ધરોહર ધરાવતા જૂનાગઢ શહેરમાં આવવાનું પોતાનું સૌભાગ્ય પણ માન્યું હતું.

રાજ્યમંત્રીની સાથે આ સફાઈ ઝુંબેશમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, દંડક કલ્પેશ અજવાણી, મહાનગરપાલિકાના કમિશનર આઈ. આર. વાળા, ડેપ્યુટી કમિશનર કે. સી. વાઘેલા, સ્થાનિક કોર્પોરેટરઓ, અગ્રણી સર્વ વિનુભાઈ ચાંડીગરા, મિલનભાઈ ભટ્ટ, ચાવડા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande