

- વન્ય પ્રાણીઓના રખરખાવ અને મુલાકાતીઓ માટેની સુવિધાઓ સમીક્ષા કરી
જુનાગઢ, 01 ઓક્ટોબર (હિ.સ.) : રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ અને પરિવહન રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ ગુરુવારે ગુજરાતના સૌથી જૂના અને જૂનાગઢમાં આવેલા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી અને વન્ય પ્રાણીઓના રખરખાવ, મુલાકાતીઓ માટેની સુવિધાઓ તથા વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટેની જાગૃતિ સહિતની કામગીરીની સમીક્ષા કરી હતી.
રાજ્યમંત્રીએ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત દરમિયાન વન્ય પ્રાણીઓની વિશિષ્ટતા, તેમના સ્વભાવ, સંરક્ષણ વગેરે બાબતોની તલસ્પર્શી વિગતો મેળવી હતી. ઉપરાંત, સક્કરબાગ ઝૂ ખાતેની સોવેનિયર શોપની મુલાકાત લીધી હતી અને પ્રવાસીઓ સાથે પણ હળવા અંદાજમાં સંવાદ સાધ્યો હતો.
રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના સૌથી જૂના અને મોટા એવા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ૧૦ લાખ જેટલા મુલાકાતીઓ આવે છે. ત્યારે મુલાકાતીઓ માટેની સુવિધાઓમાં વધારો થાય અને મુલાકાતીઓની સંખ્યામાં પણ વધારો થાય તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. સાથે જ, સક્કરબાગ ઝૂની ભવ્યતા વધે તે માટે પણ આવશ્યક નવીનીકરણ સહિતની કામગીરી માટે સૂચના આપવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, નેચર એજ્યુકેશન અને વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે જનજાગૃતિની પણ કામગીરી થઈ રહી છે.
રાજ્યમંત્રીને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના ડાયરેક્ટર રાજદીપસિંહ ઝાલાએ સક્કરબાગ ઝૂની વિશિષ્ટતાઓ, પ્રાણીઓ અને તેમના સંરક્ષણ સહિતની અન્ય વિકાસલક્ષી બાબતોથી અવગત કરાવ્યા હતા.
રાજ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન પલ્લવી ઠાકર, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, કન્ઝરવેટર ઓફ ફોરેસ્ટ-સીએફ મોહન રામ, GEER ફાઉન્ડેશનના ડેપ્યુટી ડાયરેક્ટર અમિત નાયક, સ્થાનિક અગ્રણી વિનુભાઈ ચાંડીગરા, મિલનભાઈ ભટ્ટ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ