ઇથોપિયામાં અપહરણ થયેલા મહેસાણા-ગાંધીનગરના ત્રણેય લોકો સહીસલામત ભારત પરત, પરિવારે રાહતનો શ્વાસ લીધો
મહેસાણા, 1 ઓક્ટોબર (હિ.સ.) અમેરિકા જવાની લાલચમાં એજન્ટોના સંપર્કમાં આવ્યા બાદ ઇથોપિયામાં અપહરણ થયેલા મહેસાણા અને ગાંધીનગરના ત્રણેય લોકો સહીસલામત ભારત પરત ફર્યા છે. વડસ્માના ઋત્વિક જનસારી, ગોઝારિયાની મમતા ચાવડા અને ગાંધીનગરની મયુરી ગુરુવારે વહેલી સવ
ઇથોપિયામાં અપહરણ થયેલા મહેસાણા-ગાંધીનગરના ત્રણેય લોકો સહીસલામત ભારત પરત, પરિવારે રાહતનો શ્વાસ લીધો


મહેસાણા, 1 ઓક્ટોબર (હિ.સ.) અમેરિકા જવાની લાલચમાં એજન્ટોના સંપર્કમાં આવ્યા બાદ ઇથોપિયામાં અપહરણ થયેલા મહેસાણા અને ગાંધીનગરના ત્રણેય લોકો સહીસલામત ભારત પરત ફર્યા છે. વડસ્માના ઋત્વિક જનસારી, ગોઝારિયાની મમતા ચાવડા અને ગાંધીનગરની મયુરી ગુરુવારે વહેલી સવારે લગભગ 3 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ત્રણેયના પરત ફરતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

પરિવારજનો મુંબઈથી ત્રણેયને લઈને મહેસાણા આવવા રવાના થયા હતા. વડસ્મા પહોંચ્યા બાદ પરિવાર અને ગ્રામજનોએ તેમનું ભાવભીનુ સ્વાગત કર્યું હતું. પરિવારજનોએ ત્રણેયની નજર ઉતારી હતી. ત્રણેય સહીસલામત પરત ફરે તે માટે રાખેલી બાધા પૂર્ણ થતાં તેમને મંદિરે દર્શન માટે પણ લઈ જવાયા હતા.

ઋત્વિક જનસારીના દાદા કનુભાઈએ જણાવ્યું હતું કે, ત્રણેય લોકો રાત્રે મુંબઈ પહોંચ્યા હતા અને મહેસાણા આવવા રવાના થયા છે. તેમણે જણાવ્યું કે મુક્તિ માટે પરિવારને કોઈ પૈસા આપવા પડ્યા નથી અને સરકાર તરફથી મદદ મળી છે.

મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીના જણાવ્યા મુજબ, મહેસાણા પોલીસ સતત ભારત સરકારના વિદેશ મંત્રાલયના સંપર્કમાં રહી હતી. જરૂરી દસ્તાવેજો મોકલી સંકલન કરવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, અપહરણકારો સાથે પરિવારજનોની વાતચીત કરાવવામાં આવી હતી અને પરિવારની આર્થિક સ્થિતિ અંગે પણ તેમને જાણ કરવામાં આવી હતી.

દરમિયાન, ત્રણેયને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવાના મામલે લાંઘણજ પોલીસે વડોદરા અને મહેસાણાના સ્થાનિક એજન્ટોની ભૂમિકા અંગે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા સમગ્ર નેટવર્ક અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande