

કચ્છ, 01 ઓક્ટોબર (હિ.સ.) : યુવાનોમાં ચેપી રોગો અંગે વૈજ્ઞાનિક સમજ વિકસે અને રોગને લઈને ફેલાતી ગેરમાન્યતાઓ દૂર થાય તે હેતુથી ભુજની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય એઇડ્સ અને STD નિયંત્રણ કાર્યક્રમ (NACP)ના સઘન IEC અભિયાન-3.0ના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં તાલીમાર્થીઓને HIV/AIDS, ટીબી, હિપેટાઇટિસ અને STI જેવા ચેપી રોગો અંગે ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.
દેશભરમાં ચાલી રહેલા સઘન IEC અભિયાન-3.0નો મુખ્ય ઉદ્દેશ લોકોમાં ચેપી રોગો અંગે સાચી અને વૈજ્ઞાનિક માહિતી પહોંચાડવાનો, રોગ સંબંધિત ભ્રમ અને કલંક દૂર કરવાનો તેમજ લક્ષણો જણાય ત્યારે વિલંબ કર્યા વિના તપાસ અને સારવાર કરાવવા માટે પ્રેરિત કરવાનો છે. આ જ સંદેશને યુવાનો સુધી પહોંચાડવા ભુજ ITI ખાતે વિશેષ સત્ર યોજાયું હતું.
જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેશ ભંડેરીના દિશાનિર્દેશથી તથા જિલ્લા ક્ષય અધિકારી ડૉ. મનોજ દવેની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. ઈન્ડિયન કાઉન્સેલિંગ ઓફ સોશિયલ વેલ્ફેરના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ આરોગ્ય વિષયો અંગે તાલીમાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો.
ડૉ. મનોજ દવે દ્વારા HIV/AIDS, STI, ટીબી અને હિપેટાઇટિસના કારણો, સંક્રમણની રીતો, સંભવિત લક્ષણો અને રોગથી બચવા માટેની સાવચેતીઓ અંગે સમજ આપવામાં આવી હતી. HIV અંગે સમયસર ટેસ્ટિંગ, ART સારવાર અને HIV સાથે જીવતા વ્યક્તિઓ પ્રત્યે ભેદભાવ ન રાખવા અંગે પણ વિશેષ ભાર મૂકાયો હતો.
ટીબીના સંદર્ભમાં લાંબા સમય સુધી ઉધરસ, તાવ અથવા વજન ઘટવા જેવા લક્ષણોને અવગણવાને બદલે તાત્કાલિક તપાસ કરાવવાની સલાહ આપવામાં આવી હતી. હિપેટાઇટિસ અને STI અંગે પણ સુરક્ષિત વ્યવહાર, સમયસર તબીબી સલાહ અને યોગ્ય સારવારના મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન તાલીમાર્થીઓનું સેલ્ફ રિસ્ક એસેસમેન્ટ કરાયું હતું. આરોગ્યલક્ષી માર્ગદર્શન માટે 1097 હેલ્પલાઇન અને Break Free India અંગે પણ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ITIના પ્રિન્સિપાલ મોલિકભાઈ રાવલ સહિત સમગ્ર સ્ટાફ તથા ઈન્ડિયન કાઉન્સેલિંગ ઓફ સોશિયલ વેલ્ફેરના સ્ટાફે સહયોગ આપ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar