રાજકોટમાં પગના સામાન્ય ઓપરેશન માટે દાખલ કરાયેલા મહિલાનું એનેસ્થેસિયા આપ્યા બાદ મોત
રાજકોટ, 01 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં બનેલી એક અત્યંત દુઃખદ ઘટનામાં, શાપર-વેરાવળમાં રહેતાં 39 વર્ષીય પરિણીતા ઇલાબેન શૈલેષભાઇ નેનાનું પગના સામાન્ય ઓપરેશન દરમિયાન રહસ્યમય સંજોગોમાં મૃત્યુ નિપજ્યું છે. ઓપ
એનેસ્થેસિયા આપ્યા બાદ મહિલાનું મોત


રાજકોટ, 01 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં બનેલી એક અત્યંત દુઃખદ ઘટનામાં, શાપર-વેરાવળમાં રહેતાં 39 વર્ષીય પરિણીતા ઇલાબેન શૈલેષભાઇ નેનાનું પગના સામાન્ય ઓપરેશન દરમિયાન રહસ્યમય સંજોગોમાં મૃત્યુ નિપજ્યું છે. ઓપરેશન પહેલાં એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપ્યા બાદ તેઓ ભાનમાં આવ્યા ન હતા, જેથી તબિયત લથડતાં તેમને તાત્કાલિક અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે મોડી રાત્રે દમ તોડી દીધો હતો. આ ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે શોક અને કલ્પાંત વ્યાપી ગયો છે.

મૂળ જૂનાગઢના ટોબરા-પ્રાંચી વિસ્તારના અને હાલ શાપર-વેરાવળની શાંતિધામ-૨ શેરીમાં રહેતા સોરઠીયા પ્રજાપતિ પરિવારના ઇલાબેનને છેલ્લા કેટલાક સમયથી પગમાં સતત દુઃખાવો રહેતો હતો. આ તકલીફના નિવારણ માટે પરિવારજનોએ તેમને રાજકોટની ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં તબીબી તપાસ માટે બતાવ્યા હતા. જ્યાં તબીબોએ જરૂરી નિદાન અને પ્રાથમિક સારવાર બાદ પગનું ઓપરેશન કરાવવાની સલાહ આપી હતી. તબીબોની સૂચના મુજબ પરિવારજનોએ ગત ૨૮મી તારીખે સોમવારે સવારે ઇલાબેનને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

બનાવની વિગતો મુજબ, ૨૮મી તારીખે બપોરના સમયે ઓપરેશનની પ્રક્રિયા શરૂ કરવા માટે ઇલાબેનને એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. જોકે, ઇન્જેક્શન આપ્યાના કલાકો વીતી ગયા પછી પણ સાંજ સુધી દર્દીને ભાન આવ્યું ન હતું અને તેમની સ્થિતિ સતત નાજુક બનતી ગઈ હતી. સ્થિતિ ગંભીર જણાતાં હોસ્પિટલ તંત્ર દ્વારા રાત્રે આશરે ૧૧:૦૦ વાગ્યાના સુમારે ઇલાબેનને તાત્કાલિક રાજકોટની જ બીજી એક મલ્ટીસ્પેશિયાલિટી ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.

બીજી હોસ્પિટલમાં તબીબોની ટીમે તેમને બચાવવાના સાતત્યપૂર્ણ પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ કમનસીબે ગત રાત્રે પોણા બાર વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. મૃતક ઇલાબેનના પતિ શૈલેષભાઇ નેના ખાનગી કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. માતાના આકસ્મિક અવસાનથી તેમનાં જોડિયાં દીકરા-દીકરીએ નાની વયે માતાની મમતા ગુમાવતાં પરિવારજનો ભાંગી પડ્યા હતા અને હોસ્પિટલ પરિસરમાં કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીના મોતની ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતાં કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પરિવારે મોતનું ચોક્કસ કારણ જાણવા અને તબીબી બેદરકારી છે કે કેમ તેની નિષ્પક્ષ તપાસ માટે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાની માંગ કરી હતી. પોલીસે પરિવારજનોની રજૂઆતને ધ્યાને લઈ મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે અને તે આધારે આગળની કાનૂની તપાસ ચલાવવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande