ચેક બાઉન્સ કેસમાં 1 વર્ષની સજા બાદ ફરાર આરોપી સુરતમાંથી ઝડપાયો
સુરત, 01 ઓક્ટોબર (હિ.સ.): પાલીતાણા કોર્ટ દ્વારા રૂ. 1 લાખના ચેક બાઉન્સ કેસમાં એક વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવ્યા બાદ ફરાર થયેલા આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. છેલ્લા છ મહિનાથી પોલીસને ચકમો આપી રહેલો 36 વર્ષીય કિશોર દેવશીભાઈ વાઘેલ
cheque bounce case


સુરત, 01 ઓક્ટોબર (હિ.સ.): પાલીતાણા કોર્ટ દ્વારા રૂ. 1 લાખના ચેક બાઉન્સ કેસમાં એક વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવ્યા બાદ ફરાર થયેલા આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. છેલ્લા છ મહિનાથી પોલીસને ચકમો આપી રહેલો 36 વર્ષીય કિશોર દેવશીભાઈ વાઘેલા સુરતના વરાછા વિસ્તારમાં પોતાની ઓળખ છુપાવીને રહેતો હતો. બાતમીના આધારે પોલીસે નવી શક્તિ વિજય સોસાયટી નજીક વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૂળ પાલીતાણાના થોરાળી ડેમ ગામનો રહેવાસી કિશોર વાઘેલા બરોડા પ્રિસ્ટેજ નજીક ભાડાના મકાનમાં રહેતો હતો અને ગુજરાન ચલાવવા માટે હીરા ઘસવાનું કામ કરતો હતો. તેણે વેપારના હેતુથી પાલીતાણાના વીરપર રોડ પર રહેતા પોતાના પરિચિત મામિયાભાઈ ગીડ પાસેથી રૂ. 1 લાખ લીધા હતા. આ રકમ પરત આપવા આપેલો ચેક બેંકમાં પૂરતું બેલેન્સ ન હોવાને કારણે બાઉન્સ થતાં ફરિયાદીએ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. કેસની સુનાવણી બાદ કોર્ટે કિશોરને દોષિત ઠેરવી એક વર્ષની સજા ફટકારી હતી.

કોર્ટના સજાના હુકમ બાદ ધરપકડથી બચવા કિશોર સુરત આવી ગયો હતો અને છ મહિનાથી પોલીસથી બચી રહ્યો હતો. પાલીતાણા રૂરલ પોલીસની વિનંતી બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે તેની શોધખોળ શરૂ કરી હતી. ચોક્કસ બાતમી મળતાં પોલીસે વરાછામાં કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો. જરૂરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આરોપીનો કબજો પાલીતાણા રૂરલ પોલીસને સોંપવામાં આવ્યો છે, જેથી તેને આગળની કાર્યવાહી માટે લઈ જવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande