
સુરત, 01 ઓક્ટોબર (હિ.સ.) : ગુજરાતમાં નવા ભાડા વિધેયક-2026ને લઈને વકીલોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. રાજ્યભરના વકીલો આ વિધેયકના વિરોધમાં મેદાનમાં ઉતર્યા છે. વકીલોનો આક્ષેપ છે કે નવા કાયદાથી ન્યાયિક સત્તાઓ એક્ઝિક્યુટિવ ઓથોરિટીને સોંપવામાં આવી રહી છે, જેનાથી ન્યાયતંત્રની સ્વતંત્રતા પર અસર થઈ શકે છે. સુરત અને વડોદરામાં વકીલોએ કોર્ટની કામગીરીથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો.
સુરત જિલ્લા વકીલ મંડળે 3 ઓક્ટોબર સુધી કોર્ટની તમામ કાર્યવાહીમાં ભાગ નહીં લેવાનો નિર્ણય કર્યો છે. વકીલોએ કોર્ટના મુખ્ય ગેટ પર વિરોધ પ્રદર્શન કરી કેસના કામકાજ માટે આવેલા લોકોને પરત મોકલ્યા હતા. બીજી તરફ, વડોદરાના વકીલોએ પણ કોર્ટની કામગીરીથી દૂર રહી નવા વિધેયકને પાછું ખેંચવાની માગ કરી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય એડવોકેટ ઝકી શેખે જણાવ્યું હતું કે આ કાયદાથી ન્યાયિક સત્તાઓનું સ્થાનાંતરણ થવાથી વકીલોની કામગીરી અને સામાન્ય નાગરિકોને મળતા ન્યાય પર અસર થવાની આશંકા છે.
વકીલોના મતે, નવા વિધેયકથી ભાડા સંબંધિત વિવાદોના નિરાકરણમાં પુરાવા અને સાક્ષીઓની તપાસ જેવી ન્યાયિક પ્રક્રિયાઓ પર અસર થઈ શકે છે. વડોદરા વકીલ મંડળે આ મુદ્દે મુખ્યમંત્રી, મહેસૂલ મંત્રી અને રાજ્યપાલને પત્ર લખીને પોતાની રજૂઆત કરી છે. વકીલોએ સરકાર સમક્ષ વિધેયક પાછું ખેંચવાની માગ કરી છે અને યોગ્ય ઉકેલ નહીં આવે તો રાજ્યવ્યાપી અનિશ્ચિત મુદતની હડતાળ સહિત વધુ વિરોધ કરવાની ચેતવણી આપી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે