
ભાવનગર, 10 ઓક્ટોબર (હિ.સ.)ભાવનગર રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે ROBOFEST-GUJARAT 6.0 અંતર્ગત આયોજિત 36 કલાકના AI આધારિત રોબોટિક્સ ઇનોવેશન હેકાથોનનું સમાપન થયું હતું. આ કાર્યક્રમમાં મંત્રી જીતુભાઈ વાઘાણી અને અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા. હેકાથોનમાં દેશનાં સાત રાજ્યોની 52 ટીમોએ ભાગ લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ ક્ષેત્રે પોતાની પ્રતિભા દર્શાવી હતી.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા આયોજિત આ હેકાથોનમાં કુલ 480 ટીમોએ નોંધણી કરાવી હતી, જેમાંથી પસંદગી પામેલી 52 ટીમોએ વિવિધ સમસ્યાઓના ટેકનોલોજી આધારિત ઉકેલો રજૂ કર્યા હતા.
મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે યુવાનોના નવીન વિચારો, સંશોધન અને સ્ટાર્ટઅપ્સ ભારતને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવશે. જ્યારે મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને જ્ઞાન આધારિત ઇનોવેશનના યુગમાં યુવાનોની સર્જનાત્મકતા દેશના વિકાસને નવી દિશા આપશે.
હેકાથોનમાં સુરક્ષા, સમુદ્ર સંશોધન, સ્વાયત્ત ડ્રાઇવિંગ, સ્માર્ટ શોપિંગ ટ્રોલી, શિક્ષણ અને માનવતાવાદી કામગીરી સહિતનાં ક્ષેત્રોમાં ઉપયોગી રોબોટિક સિસ્ટમ્સ વિકસાવવામાં આવી હતી. વિજેતા ટીમોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે અનુક્રમે રૂ. 10 લાખ, રૂ. 7.5 લાખ અને રૂ. 5 લાખનાં ઇનામ આપવામાં આવ્યાં હતાં.
પ્રથમ ક્રમે ગવર્મેન્ટ પોલિટેકનિક, જામનગર, દ્વિતીય ક્રમે ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી અને તૃતીય ક્રમે બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયની ટીમ વિજેતા બની હતી.
આ પ્રસંગે ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન અને આનંદ કૃષિ યુનિવર્સિટી વચ્ચે બાયોફર્ટિલાઇઝર્સ તથા બાયોપેસ્ટિસાઇડ્સ માટે બાયો-મેન્યુફેક્ચરિંગ હબ સ્થાપવા અને GSBTM તથા CSIR–CSMCRI વચ્ચે પોરબંદર ખાતે મરીન બાયોટેકનોલોજી રિસર્ચ એન્ડ ઇનોવેશન કોરિડોર સ્થાપવા માટે કરાર પણ કરવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA