
- ગુજરાત રાજ્યનું નેતૃત્વ કરશે CUG
વડોદરા/ગાંધીનગર, 10 ઓક્ટોબર (હિ.સ.) : ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગની મહત્ત્વપૂર્ણ યુવા આદાન-પ્રદાન પહેલ ‘યુવા સંગમ ફેઝ VII’ હેઠળ ગુજરાત કેન્દ્રીય યુનિવર્સિટી (CUG)ને ગુજરાતના નોડલ સંસ્થાન તરીકે નિયુક્ત કરવામાં આવી છે. આ કાર્યક્રમ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ (EBSB). પહેલ અંતર્ગત યોજાઈ રહ્યો છે. આ તબક્કામાં ગુજરાતને પંજાબ રાજ્ય સાથે જોડવામાં આવ્યું છે.
‘યુવા સંગમ ફેઝ VII’ અંતર્ગત ગુજરાત કેન્દ્રીય યુનિવર્સિટી ચંદીગઢથી આવનારા વિદ્યાર્થી પ્રતિનિધિમંડળને ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ, વારસા, નવાચાર અને વિકાસ મોડેલથી પરિચિત કરાવશે. આ અંગે શુક્રવારે યુનિવર્સિટી કેમ્પસમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પ્રો. અતનુ ભટ્ટાચાર્ય એ જણાવ્યું કે ‘યુવા સંગમ ફેઝ VII’ હેઠળ ગુજરાતના નોડલ સંસ્થાન તરીકે યજમાની કરવાનો અવસર મળવો યુનિવર્સિટી માટે ગૌરવની બાબત છે.
તેમણે જણાવ્યું કે 10 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર દરમિયાન ચંદીગઢથી આવનાર 40 સભ્યોનું પ્રતિનિધિમંડળ ગુજરાતના વિવિધ ક્ષેત્રોની સંસ્કૃતિ, વારસા, નવાચાર અને વિકાસ પહેલોને નજીકથી અનુભવશે. તેમની સાથે સંસ્થાકીય પ્રતિનિધિઓ પણ આવશે. આ દરમિયાન પ્રતિનિધિમંડળને સ્ટેચ્યુ ઓફ યુનિટી, લક્ષ્મી વિલાસ પેલેસ, ફતેહસિંહ મ્યુઝિયમ, સાબરમતી આશ્રમ, અક્ષરધામ મંદિર અને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ સહિતના વિવિધ મહત્ત્વપૂર્ણ સ્થળોની મુલાકાત કરાવવામાં આવશે.
પ્રતિનિધિમંડળને ઓર્ગેનિક હાઉસ ઇન્ડસ્ટ્રી, વેસ્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રી, ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની કામગીરી અને કાર્યપદ્ધતિથી પણ અવગત કરાવવામાં આવશે. કાર્યક્રમના નોડલ અધિકારી પ્રો. અતનુ મહાપાત્ર એ જણાવ્યું કે પ્રતિનિધિમંડળને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા રાજ્યપાલ દેવવ્રત આચાર્ય સાથે સંવાદ કરવાનો અવસર પણ મળશે.
આ ઉપરાંત પ્રતિભાગીઓને ગુજરાતી ભાષા તથા ગુજરાતી પરંપરાગત રમતોનું તાલીમ આપવામાં આવશે. પ્રતિનિધિમંડળ માટે દરરોજ યોગ તાલીમનું પણ આયોજન કરવામાં આવશે.
‘યુવા સંગમ’નો મુખ્ય હેતુ દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના યુવાનો વચ્ચે સંવાદ, સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને પારસ્પરિક સમજણને પ્રોત્સાહન આપવાનો છે. આ પહેલ દ્વારા યુવાનોને “વિવિધતામાં એકતા”ની ભાવનાનો પ્રત્યક્ષ અનુભવ કરવાની તથા વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, પરંપરા અને વિકાસયાત્રાને સમજવાની તક મળે છે.
ગુજરાતના 50 યુવાનો જશે પંજાબ
ઉલ્લેખનીય છે કે 22 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર દરમિયાન ગુજરાતનું પ્રતિનિધિમંડળ પણ પંજાબની મુલાકાત લેશે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (IISER), મોહાલીને ગુજરાતના પ્રતિનિધિમંડળ માટે નોડલ સંસ્થાન બનાવવામાં આવ્યું છે.
ગુજરાત-પંજાબ યુવા સંગમ માટે યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ કાર્યક્રમ માટે કુલ 5,000 નોંધણીઓ પ્રાપ્ત થઈ છે. ભારત સરકારના માર્ગદર્શનો અનુસાર CUGના ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ પ્રકોષ્ઠ દ્વારા સંચાલિત પસંદગી પ્રક્રિયા બાદ ગુજરાતના 50 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે.
પાંચ મુદ્દાઓ પર આધારિત રહેશે કાર્યક્રમ
યુવા સંગમ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ પાંચ મુખ્ય મુદ્દાઓ પર આધારિત રહેશે:
1. પર્યટન (Tourism): પ્રદેશના પર્યટન અને તેના વૈવિધ્યને જાણવું.
2. પરંપરા (Traditions): સ્થાનિક પરંપરાઓ અને સાંસ્કૃતિક વિશેષતાઓને સમજવી.
3. પ્રગતિ (Progress): રાજ્યમાં થયેલા વિકાસ અને નવીન પહેલોને જાણવી.
4. પારસ્પરિક સંપર્ક (People-to-People Connect): યુવા આદાન-પ્રદાન દ્વારા લાંબા ગાળાનો સંપર્ક જાળવી રાખવો.
5. પ્રૌદ્યોગિકી (Technology): વિવિધ રાજ્યોમાં ટેક્નોલોજી અને નવીનતાની સ્થિતિને સમજવી.
કાર્યક્રમના અંતે યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ પ્રો. એચ. બી. પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ