

પાટણ, 10 ઓક્ટોબર (હિ.સ.) : સિદ્ધપુરના ટાવર ચોક ખાતે સર સયાજીરાવ ગાયકવાડ સ્મારકના 88મા સ્થાપના દિવસ અને તેમની 119મી વર્ષગાંઠ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે સ્મારક ખાતે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી મહારાજા સયાજીરાવ ગાયકવાડને ભાવભેર નમન કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ મહારાજાની સ્મૃતિને યાદ કરી તેમના પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો.
ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે મહારાજા સયાજીરાવ ગાયકવાડને પ્રજાવત્સલ શાસક ગણાવતાં શિક્ષણ, સામાજિક સુધારણા, સુશાસન અને લોકકલ્યાણ ક્ષેત્રે તેમના યોગદાનને પ્રેરણાદાયક ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સિદ્ધપુરની ઐતિહાસિક વિરાસત સાથે જોડાયેલી મહારાજાની સ્મૃતિઓનું વિશેષ મહત્ત્વ છે. આવા કાર્યક્રમો દ્વારા નવી પેઢીને મહાન વિભૂતિઓના જીવન, કાર્ય અને આદર્શો વિશે જાણવાની તક મળે છે.
આ કાર્યક્રમમાં માનવ નાથ બાપુ, અબ્દુલભાઈ, રણજીતસિંહ ઠાકોર સહિત વિવિધ સામાજિક અને ધાર્મિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત જામ્યા સંસ્થાના ટ્રસ્ટીઓ, કોર્પોરેટરો, સંગઠનોના હોદ્દેદારો, દાઉદી વ્હોરા સમાજના આગેવાનો, નગરજનો અને વેપારીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. સૌએ સ્મારકના સ્થાપના દિવસ નિમિત્તે મહારાજા સયાજીરાવ ગાયકવાડના યોગદાનને યાદ કરી તેમની પ્રેરણાદાયી વિરાસતને જાળવી રાખવાનો સંદેશ આપ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ