
ભાવનગર,10 ઓક્ટોબર (હિ.સ.)નવરાત્રીના તહેવાર દરમિયાન ગરબા સ્થળોએ કોઈ ઇમરજન્સી ઊભી થાય ત્યારે તાત્કાલિક પ્રાથમિક સારવાર મળી રહે તે હેતુથી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર દ્વારા વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમમાં ઇમરજન્સી સમયે પ્રાથમિક સારવાર અને CPR આપવાની પદ્ધતિ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
આ તાલીમ આગામી 11 ઓક્ટોબર, રવિવારે સવારે 11:30થી બપોરે 1 વાગ્યા સુધી ભાવનગરના દીવાનપરા રોડ પર આવેલા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના રેડક્રોસ ભવન ખાતે યોજાશે.
નવરાત્રી દરમિયાન ગરબા સ્થળોએ સેવા આપતા સિક્યુરિટી કર્મચારીઓ, ગરબાના આયોજકો, શેરી ગરબાના આયોજકો, સ્વયંસેવકો, સરકારી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ તેમજ તાલીમ મેળવવા ઇચ્છુક નાગરિકો આ કાર્યક્રમમાં ભાગ લઈ શકશે.
ગરબા સ્થળે કોઈ વ્યક્તિને અચાનક તકલીફ થાય અથવા ઇમરજન્સી સર્જાય ત્યારે એમ્બ્યુલન્સ આવે કે વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવામાં આવે ત્યાં સુધી યોગ્ય પ્રાથમિક સારવાર આપવાથી જોખમ ઘટાડવામાં મદદ મળી શકે છે. આ હેતુથી રેડક્રોસ દ્વારા તાલીમનું આયોજન કરાયું છે.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા નાગરિકોમાં પ્રાથમિક સારવાર અંગે જાગૃતિ વધારવા નિયમિત તાલીમ કાર્યક્રમો યોજવામાં આવે છે. સંસ્થાએ રસ ધરાવતા લોકોને સમયસર હાજર રહી નોંધણી કરાવી તાલીમનો લાભ લેવા અનુરોધ કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA