
પાટણ, 10 ઓક્ટોબર (હિ.સ.)પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને સફાઈ કામદારોના પ્રતિનિધિઓ વચ્ચે સફાઈ કામગીરી, સાધનો અને રોજગારીની શરતો અંગે મહત્વની બેઠક યોજાઈ હતી. બેઠકમાં શહેરના મુખ્ય 23 માર્ગોની સફાઈ માટે આશરે રૂ. 80 લાખનું ઓનલાઈન ટેન્ડર બહાર પાડવા સહિત અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા. ‘સ્વચ્છ અને સુંદર શહેર’ સરકારી ગ્રાન્ટ યોજના હેઠળ 70 ટકા રકમ સ્વચ્છતા અને 30 ટકા રકમ શહેરની સુંદરતા વધારવાનાં કાર્યો માટે ફાળવવામાં આવી છે.
યોજના અંતર્ગત વર્ષના 265 દિવસ સુધી પ્રતિદિન 49 કામદારો દ્વારા મુખ્ય 23 માર્ગોની નિયમિત સફાઈ કરવાનું આયોજન છે. બેઠકમાં ચીફ ઓફિસરે વર્તમાન સફાઈ પદ્ધતિ અંગે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, માત્ર રસ્તા પર કચરાના ઢગલા કરીને જતા રહેવાને બદલે કચરો એકત્રિત કરવાથી લઈને તેના યોગ્ય નિકાલ સુધીની જવાબદારી નિભાવવી જરૂરી છે. આ માટે કામગીરીના ધોરણો અને નિયમોમાં ફેરફાર કરીને સફાઈ વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવાની તૈયારી હાથ ધરાઈ છે.
બીજી તરફ, સફાઈ કામદારોના પ્રતિનિધિઓએ ભારે લારીઓને કારણે ખાસ કરીને મહિલા કર્મચારીઓને કચરો ઉપાડવામાં પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી હતી. આ રજૂઆતને પગલે ચીફ ઓફિસરે આગામી બે મહિનામાં મહિલા સફાઈ કામદારોને વજનમાં હલકી અને સરળતાથી ઉપયોગ કરી શકાય તેવી ચાર ડબ્બાવાળી નવી લારીઓ ફાળવવાની ખાતરી આપી હતી. આ નિર્ણયથી સફાઈ કામગીરી દરમિયાન મહિલા કર્મચારીઓની મુશ્કેલીઓમાં ઘટાડો થવાની આશા છે.
બેઠકમાં કામના કલાકો, ઓવરટાઈમ અને કર્મચારીઓની હાજરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ગાંધીબાગ સહિત વિવિધ વિસ્તારોમાં ફરજ બજાવતા કાયમી કર્મચારીઓની હાજરી અને વાસ્તવિક કામગીરીની ચકાસણી કરવા અંગે ભાર મૂકાયો હતો. આ પ્રક્રિયા દ્વારા કર્મચારીઓની નિયમિતતા અને કામગીરીનું મૂલ્યાંકન કરી પાલિકાના વહીવટમાં પારદર્શિતા વધારવાનો પ્રયાસ કરવામાં આવશે. શહેરના જાહેર માર્ગોને સ્વચ્છ રાખવા માટે જવાબદારી નક્કી કરવા અને સફાઈ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી આ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ