
પોરબંદર, 11 ઓક્ટોબર (હિ.સ.) : નવરાત્રી પર્વ દરમિયાન પોરબંદરવાસીઓને
અવરજવરમાં સરળતા રહે અને ગરબાની ઉજવણી બાદ મોડી રાત્રે ઘરે પરત ફરતા નાગરિકોને
સલામત તથા સુવિધાજનક પરિવહન મળી રહે તે હેતુથી પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સીટી
બસ સેવાનો સમય લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ વિશેષ વ્યવસ્થા તા. 11 ઓક્ટોબરથી તા. 20 ઓક્ટોબર, 2026 દરમિયાન
અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન ચોપાટી પાર્ટીપ્લોટ થી શહેરના વિવિધ વિસ્તારો તરફ
જવા માટે સીટી બસ સેવા દરરોજ રાત્રે 8:00 વાગ્યાથી મોડી રાત સુધી કાર્યરત
રહેશે.
નવરાત્રી દરમિયાન ખાસ કરીને ગરબા રમીને મોડી
રાત્રે પરત ફરતી બહેનો અને યુવતીઓને સરળ અને સલામત પરિવહન સુવિધા મળી રહે તે
બાબતને મહાનગરપાલિકા દ્વારા વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી છે.
નવરાત્રી પર્વની ઉજવણીને ધ્યાનમાં રાખીને બાળકો
માટે વિશેષરૂપે નિઃશુલ્ક સીટી બસ મુસાફરીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
જેના કારણે બાળકો સાથે ગરબાની ઉજવણી કરવા આવતા પરિવારોને પણ આ સેવાનો લાભ મળશે.
જ્યારે પુખ્ત વયના મુસાફરોએ નિયમ મુજબ નિર્ધારિત ભાડું ચૂકવી ટિકિટ લેવાની રહેશે.
સીટી બસોના સુચારુ સંચાલન તથા પાર્કિંગ માટે
ચોપાટી પાર્ટીપ્લોટ ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા
સરળતાથી જળવાઈ રહે અને નાગરિકોને કોઈ અગવડતા ન પડે તે માટે ટ્રાફિક વિભાગ સાથે
સંકલન કરીને જરૂરી આયોજન કરવામાં આવશે.
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા તહેવારો દરમિયાન
નાગરિકોની સુવિધા, સલામતી અને સરળ અવરજવરને હંમેશાં પ્રાથમિકતા
આપવામાં આવે છે. નવરાત્રીના પવિત્ર અને આનંદમય પર્વ દરમિયાન શહેરના નાગરિકોને
પરિવહનની સુવિધા મળી રહે તે માટે આ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
મહાનગરપાલિકા દ્વારા પોરબંદરના તમામ નાગરિકોને
અપીલ કરવામાં આવે છે કે તેઓ નવરાત્રી પર્વની ઉજવણી આનંદ, ઉત્સાહ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં કરે, વિશેષ સીટી બસ સેવાનો લાભ લે અને
શહેરની ટ્રાફિક તથા પરિવહન વ્યવસ્થાને સુચારુ રાખવામાં સહકાર આપે. પોરબંદર
મહાનગરપાલિકા તરફથી પોરબંદરના તમામ નાગરિકોને નવરાત્રી પર્વની હાર્દિક શુભકામનાઓ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya