જામનગરમાં તહેવારોમાં રોડ-રસ્તા પરના નાના ફેરિયાઓને વેપાર કરવા દેવા કોર્પોરેટરની માંગણી
જામનગર, 11 ઓક્ટોબર (હિ.સ.) : આગામી નવરાત્રી અને દિવાળી જેવા પવિત્ર તહેવારોને ધ્યાને રાખીને જામનગર મહાનગરપાલિકાના કમિશનરને એક મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. શહેરમાં તહેવારો દરમિયાન પરંપરાગત વ્યવસાય કરીને ગુજરાન ચલાવતા નાના ધંધાર્થીઓ અને ફેરિયાઓને
કોર્પોરેશન


જામનગર, 11 ઓક્ટોબર (હિ.સ.) : આગામી નવરાત્રી અને દિવાળી જેવા પવિત્ર તહેવારોને ધ્યાને રાખીને જામનગર મહાનગરપાલિકાના કમિશનરને એક મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. શહેરમાં તહેવારો દરમિયાન પરંપરાગત વ્યવસાય કરીને ગુજરાન ચલાવતા નાના ધંધાર્થીઓ અને ફેરિયાઓને કાયદેસરની વસ્તુઓનું વેચાણ કરવા દેવા માટે સ્થાનિક સ્તરે માંગ ઉઠી છે.

દર વર્ષે તહેવારોની સિઝનમાં જામનગરના મુખ્ય માર્ગોની ફૂટપાથ અને રોડની સાઈડમાં અનેક નાના વેપારીઓ તથા ફેરિયાઓ કામકાજ અર્થે બેસતા હોય છે. આ ધંધાર્થીઓ તહેવારોને અનુરૂપ વસ્ત્રો, ઓર્નામેન્ટ્સ તેમજ ઘર-સુશોભનની વિવિધ સામગ્રીઓનું વેચાણ કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. કાયદેસર રીતે વેપાર કરવો એ આ શ્રમિકોનો અધિકાર હોવાથી તેમને યોગ્ય તક મળવી જરૂરી છે.

સરકાર પણ આવા નાના ગજાના વ્યવસાયકારો માટે લાખો રૂપિયાના ખર્ચે 'સરસ મેળો' જેવા કાર્યક્રમોનું આયોજન કરતી હોય છે. આ પ્રકારના મેળાઓ પાછળનો મુખ્ય હેતુ ગરીબ અને શ્રમિક વર્ગના લોકોને વેપાર માટે પ્લેટફોર્મ પૂરું પાડવાનો અને તેઓ સ્વરોજગાર મેળવીને આર્થિક રીતે સક્ષમ બને તે માટેનો રહેલો છે.

હાલમાં જામનગરના શરૂ સેકશન રોડ જેવા અત્યંત પહોળા માર્ગ પર વર્ષોથી તહેવારો દરમિયાન વેપાર કરતા નાના ફેરિયાઓને અટકાવવામાં આવે છે. એટલું જ નહીં, તેમનો કિંમતી માલસામાન જપ્ત કરી તેમની સાથે યોગ્ય વ્યવહાર કરવામાં આવતો ન હોવાની બાબત સામે આવી છે, જે ગરીબ શ્રમિકોની રોજીરોટી માટે અન્યાયી ગણાય.

દરેક નાગરિકને સ્વરોજગારી મળી રહે તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે શરૂ સેકશન રોડની સાઈડમાં બેસતા અત્યંત ગરીબ ફેરિયાઓ પાસે નિયત ભાડું વસૂલીને માનવતાના ધોરણે નવરાત્રીથી દિવાળી સુધી વેપાર કરવા દેવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. આ નિર્ણયથી અનેક ગરીબ પરિવારોને તહેવારો ટાણે આર્થિક રાહત મળી શકશે.

વેપારના કારણે ટ્રાફિકની કોઈ સમસ્યા ન સર્જાય તે માટે પણ વેપારીઓ દ્વારા ખાતરી આપવામાં આવી છે. ફેરિયાઓ પોતાના ખર્ચે સિક્યુરિટી ગાર્ડ રાખીને વાહનો તથા ગ્રાહકોની અવરજવરથી અવ્યવસ્થા ન થાય તે મુજબ વ્યવસ્થા જાળવવા માટે લેખિત બાંહેધરી આપવા પણ તૈયાર થયા છે.

આ તમામ બાબતો અને ગરીબ પરિવારોની રોજીરોટીના પ્રશ્નને ધ્યાને રાખીને દિવાળી સુધી શરૂ સેકશન રોડ પર સાઈડમાં જગ્યા ફાળવીને નાના ફેરિયાઓને વ્યવસાય કરવાની મંજૂરી આપવા તંત્ર સમક્ષ વિનંતી કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande