
જામનગર, 11 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરમાં આગામી નવરાત્રી અને દશેરા પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
જામનગર જિલ્લામાં આગામી નવરાત્રી અને દશેરાના પવિત્ર તહેવારોને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે એસપી ડો. રવિ મોહન સૈનીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગરબાના આયોજકો અને શાંતિ સમિતિના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તહેવારો દરમિયાન શહેરમાં સંપૂર્ણ શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા અત્યારથી જ આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
બેઠક દરમિયાન પોલીસ વડા દ્વારા ગરબા આયોજકોને કાર્યક્રમ સ્થળે સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. તહેવારો દરમિયાન પોલીસ તંત્ર સાથે સતત સંકલન જાળવીને સહકાર આપવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાઓ બને નહીં તે માટે પોલીસ અને આયોજકો વચ્ચે પરસ્પર સંકલન અનિવાર્ય હોવાનું જણાવાયું હતું.
ખાસ કરીને વાહન પાર્કિંગના વિસ્તારોમાં સુરક્ષા વધારવા માટે પર્યાપ્ત લાઇટિંગની વ્યવસ્થા ગોઠવવા તાકીદ કરાઈ હતી, જેથી અસામાજિક તત્વો દ્વારા આચરવામાં આવતી ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવી શકાય. આ ઉપરાંત, ગરબા આયોજનના તમામ સ્થળોએ ખૂણે-ખૂણે ઉચ્ચ ક્લિયરિટી ધરાવતા સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવા સૂચના આપવામાં આવી છે.
આયોજન સ્થળે સુરક્ષા માટે રાખવામાં આવતા બાઉન્સર્સની નિમણૂક કરતા પૂર્વે તેમની પૂર્વભૂમિકા અને ઓળખની સંપૂર્ણ ખરાઈ કરવા માટે પણ કડક સૂચના આપવામાં આવી છે. વિશેષ કરીને અન્ય રાજ્યોમાંથી આવતા બાઉન્સર્સ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી તેની ખાતરી કરવા માટે તાકીદ કરાઈ હતી.
તહેવારોની ઉજવણી દરમિયાન કોઈપણ નાગરિકે કાયદો પોતાના હાથમાં ન લેવા તેમજ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે પ્રવૃત્તિ જણાય તો તુરંત જ પોલીસ તંત્રને જાણ કરવા અપીલ કરાઈ છે. આ નવરાત્રી ઉત્સવ શાંતિ, સલામતી અને ભાઈચારાના માહોલમાં ઉજવાય તે માટે પોલીસ, આયોજકો અને જનતા સંયુક્ત રીતે સહકાર આપશે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt