મુંદરામાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂ અને બીયરનાં 216 નંગ સાથે બે ઝડપાયા
કચ્છ, 11 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છના મુંદરા વિસ્તારમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરતાં પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસની આ કાર્યવાહીમાં દારૂ ઉપરાંત હેરાફેરીમાં ઉપયોગમ
મુન્દ્રા પ્રોહીબિશન કેસ


કચ્છ, 11 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છના મુંદરા વિસ્તારમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરતાં પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસની આ કાર્યવાહીમાં દારૂ ઉપરાંત હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી સ્વીફ્ટ કાર અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 3,42,180નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, પશ્ચિમ કચ્છમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગેરકાયદેસર જથ્થો મંગાવી તેનું વેચાણ કરતા ઇસમો પર નજર રાખવા પોલીસને સૂચના આપવામાં આવી હતી. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ પ્રકારની પ્રવૃત્તિઓને અટકાવવા સક્રિય હતી.

દરમિયાન મુંદરા તાલુકામાં કોમ્બિંગ નાઇટ દરમિયાન પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ શોધવા પેટ્રોલિંગ કરી રહેલા લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને ખાનગી બાતમી મળી હતી. બાતમી મુજબ, બારોઇ ગામનો જયેન્દ્રસિંહ ઉર્ફે જીગો નટુભા રાઠોડ સફેદ રંગની મારુતિ સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી વડાલા તરફથી લુણી થઈ બારોઇ તરફ આવવાનો હતો.

આ બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરતાં સ્વીફ્ટ કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 144 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 81,380 હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત બીયરના 72 ટીન, જેની કિંમત રૂ. 10,800 છે, તે પણ કબજે કરવામાં આવ્યા હતા.

આ કાર્યવાહી દરમિયાન પોલીસે જયેન્દ્રસિંહ ઉર્ફે જીગો નટુભા રાઠોડ (32 વર્ષ), રહે. બારોઇ, તા. મુંદરા અને મયુરસિંહ વિક્રમસિંહ ઝાલા (40 વર્ષ), હાલ રહે. કૈલાસપાર્ક, બારોઇ રોડ, મુંદરા અને મૂળ મોટા ટીંબલા, તા. લિંબડી, જિ. સુરેન્દ્રનગરને ઝડપી પાડ્યા હતા.

પોલીસે દારૂ અને બીયર ઉપરાંત રૂ. 2 લાખની સ્વીફ્ટ કાર તથા રૂ. 50 હજારનો મોબાઇલ ફોન કબજે કર્યો હતો. સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત રૂ. 3,42,180 થાય છે. આ મામલે મુંદરા મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી માટે મુદ્દામાલ સોંપવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande