





કચ્છ, 11 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છના અંજાર તાલુકાના રતનાલ-આર.કે.નગર ખાતે પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના હેતુથી નવનિર્મિત પંચવટી વિકાસ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે યોજાયેલા આ કાર્યક્રમમાં સામાજિક વનીકરણ વિભાગ, કચ્છની કામગીરીને બિરદાવવામાં આવી હતી. શ્રી મતિયા દેવ મંદિર પરિસરમાં એક હેક્ટરથી વધુ વિસ્તારમાં વૃક્ષારોપણ કરીને વિસ્તારને હરિયાળો બનાવવાની પહેલ આ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બની હતી.
રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે પંચવટી વિકાસ કેન્દ્ર માત્ર એક ઇમારત નથી, પરંતુ સામૂહિક એકતા, સામાજિક સમરસતા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું પ્રતીક છે. કેન્દ્રમાં હોલ અને ઓફિસ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જે આગામી સમયમાં વિવિધ સામાજિક કાર્યક્રમો અને લોકઉપયોગી પ્રવૃત્તિઓ માટે ઉપયોગી બનશે. તેમણે આ પહેલ બદલ વન વિભાગને અભિનંદન પાઠવ્યાં હતાં.
રતનાલના આર.કે.નગરના વિકાસ અંગે વાત કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે ભૂકંપની વિનાશક અસરમાંથી બેઠા થયેલા આ નગરને સુવ્યવસ્થિત અને સુવિધાસભર બનાવવાની દિશામાં સરકાર પ્રતિબદ્ધ છે. ગામડાંઓમાં જરૂરી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિકાસકાર્યોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. રતનાલ સહિત અંજાર વિસ્તારનાં બાકી વિકાસકાર્યો તબક્કાવાર પૂર્ણ કરવાની ખાતરી પણ તેમણે આપી હતી.
તેમણે ગ્રામજનોને સહિયારા પ્રયાસોથી ગામના વિકાસમાં યોગદાન આપવા અને બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અપાવવા અપીલ કરી હતી. ડૉ. બાબાસાહેબ આંબેડકરના સામાજિક સમરસતા અને શિક્ષણના મૂલ્યોને જીવનમાં ઉતારવા પણ અનુરોધ કર્યો હતો.
કચ્છ વન વર્તુળના વન સંરક્ષક ડૉ. ધીરજ મિત્તલે જણાવ્યું હતું કે સમાજને સાથે જોડીને પર્યાવરણનું જતન થાય તેવા શુભ આશયથી પંચવટી કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમણે પરિસરની જાળવણીમાં સૌની સહભાગીદારી જરૂરી ગણાવી હતી.
કાર્યક્રમના અંતે રાજ્યમંત્રી સહિત મહાનુભાવો અને સામાજિક આગેવાનોએ વૃક્ષારોપણ કર્યું હતું તથા મતિયા દેવ મંદિર ખાતે દર્શન કરી જનકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. આ પહેલથી રતનાલમાં સામાજિક પ્રવૃત્તિઓની સાથે પર્યાવરણ સંરક્ષણને પણ નવી દિશા મળવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar