ખોળામાં 9 માસનું બાળક અને ખભે ખાખીની જવાબદારી! શેખપીર હાઈવે પર મહિલા પોલીસકર્મીની ફરજનિષ્ઠાને સલામ
કચ્છ, 11 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છમાં નવરાત્રિ દરમિયાન માતાના મઢ ખાતે બિરાજમાન મા આશાપુરાનાં દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને પહોંચે છે. શ્રદ્ધા અને ભક્તિના આ માહોલમાં હાઈવે પર પદયાત્રીઓની સુરક્ષા જાળવવી, વાહનવ્યવહારનું નિયમન કરવું અને ટ્રાફ
મહિલા પોલીસ


કચ્છ, 11 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છમાં નવરાત્રિ દરમિયાન માતાના મઢ ખાતે બિરાજમાન મા આશાપુરાનાં દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને પહોંચે છે. શ્રદ્ધા અને ભક્તિના આ માહોલમાં હાઈવે પર પદયાત્રીઓની સુરક્ષા જાળવવી, વાહનવ્યવહારનું નિયમન કરવું અને ટ્રાફિકને સુચારુ રાખવો પોલીસ માટે મહત્ત્વપૂર્ણ જવાબદારી બની રહે છે. આવી વ્યસ્ત કામગીરી વચ્ચે ભુજ નજીક શેખપીર વિસ્તારના હાઈવે પરથી ફરજ અને માતૃત્વનો અનોખો સમન્વય દર્શાવતી એક લાગણીસભર તસવીર સામે આવી છે, જે લોકોનું ધ્યાન ખેંચી રહી છે.

પદ્ધર પોલીસ મથકમાં હેડકોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં ટમુબેન ગાંગાભાઈ મોકરીયા પોતાની ફરજની સાથે માત્ર નવ માસના બાળકની સંભાળ પણ રાખી રહ્યાં છે. એક તરફ માતા તરીકે પોતાના નાના બાળકને હૂંફ અને મમતા આપવાની જવાબદારી છે, તો બીજી તરફ પોલીસકર્મી તરીકે જાહેર માર્ગ પર સુરક્ષા અને વ્યવસ્થા જાળવવાની ફરજ છે. આ બંને જવાબદારીઓ વચ્ચે સંતુલન જાળવીને તેઓ હસતા મોઢે પોતાની કામગીરી કરતાં જોવા મળે છે.

નવરાત્રિના દિવસોમાં માતાના મઢ તરફ જતા માર્ગો પર પદયાત્રીઓની અવરજવર વધી જાય છે. રસ્તા પર વાહનોની સતત અવરજવર વચ્ચે પદયાત્રીઓ સલામત રીતે આગળ વધી શકે અને ટ્રાફિક વ્યવસ્થિત રહે તે માટે પોલીસ કર્મચારીઓ સતત તૈનાત રહે છે. આવા સમયે ટમુબેન મોકરીયા પણ શેખપીર નજીક ટ્રાફિક નિયંત્રણ અને સેવા કેમ્પ સંબંધિત કામગીરીમાં પોતાની જવાબદારી નિભાવી રહ્યાં છે.

તેમની આ કામગીરીમાં એક તરફ ખાખી વર્દીની શિસ્ત અને ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતા જોવા મળે છે, તો બીજી તરફ બાળક પ્રત્યેનો માતૃસ્નેહ પણ ઝળકે છે. ફરજના સ્થળે બાળકને સાથે રાખીને જવાબદારી સંભાળતા તેમના દૃશ્યએ લોકોમાં પ્રશંસાની લાગણી જગાવી છે.

પોલીસની નોકરીમાં સમયની મર્યાદા કરતાં ફરજની જરૂરિયાત મહત્ત્વની બની રહેતી હોય છે. ત્યારે માતૃત્વ અને જાહેર સેવા વચ્ચે સંતુલન જાળવવાનો ટમુબેનનો પ્રયાસ ચર્ચાનો વિષય બન્યો છે. નવરાત્રિના પવિત્ર પર્વમાં શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે કાર્યરત આ મહિલા પોલીસકર્મીની કામગીરી એ વાતનું સ્મરણ કરાવે છે કે વર્દી પાછળ પણ લાગણીઓથી ભરેલું હૃદય ધબકતું હોય છે. ફરજ પ્રત્યેની નિષ્ઠા અને બાળક પ્રત્યેની મમતા સાથે આગળ વધતાં ટમુબેન મોકરીયાની આ કામગીરીને લોકો તરફથી બિરદાવવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande