
ભાવનગર,12 ઓક્ટોબર (હિ.સ.) ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં આરોગ્ય સેવાઓને વધુ સુલભ બનાવવા અને સરકારી આરોગ્ય યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવાના હેતુથી આયુષ્માન કાર્ડ ડ્રાઈવ અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સિહોર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉસરડ હેઠળ આવેલા આયુષ્માન આરોગ્ય મંદિર, નેસડા ખાતે PMJAY કાર્ડ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પાત્ર લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ કાઢી આપવાની કામગીરી કરવામાં આવી હતી.
આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત પાત્ર પરિવારોને આરોગ્યલક્ષી આર્થિક સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને નિયત નિયમો અને પાત્રતા અનુસાર સૂચિબદ્ધ હોસ્પિટલોમાં કેશલેસ સારવારનો લાભ મળી શકે છે. જેથી જરૂરિયાતના સમયે આર્થિક મુશ્કેલી વિના સારવાર મેળવવામાં મદદરૂપ થઈ શકાય છે.
આયુષ્માન કાર્ડ આરોગ્ય યોજનાનો લાભ મેળવવા માટે મહત્વપૂર્ણ હોવાથી પાત્ર લાભાર્થીઓ સુધી કાર્ડ પહોંચે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નેસડા ખાતે યોજાયેલી આ કામગીરીથી સ્થાનિક લાભાર્થીઓને કાર્ડ મેળવવાની સુવિધા મળી હતી.
આવી કાર્ડ ડ્રાઈવના આયોજનથી ગ્રામ્ય વિસ્તારના નાગરિકોમાં આરોગ્ય યોજનાઓ અંગે જાગૃતિ વધે છે અને સરકારી આરોગ્ય સેવાઓનો લાભ મેળવવામાં સરળતા રહે છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA