ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ તેજ ગતિએ: રાજ્યમાં વધુ 25 ઔદ્યોગિક એકમોને સહાય મંજૂર
રૂ. ૩,૯૦૩.૩૦ કરોડના મૂડીરોકાણ સાથે રાજ્યમાં ૮,૧૭૮ થી વધુ નવી રોજગારીની તકોનું સર્જન થશે. ગાંધીનગર, 12 ઓક્ટોબર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ ગુજરાતમાં ઉદ્યોગોના સર્વાંગી વિકાસ અને રોકાણને પ્રોત્સાહન આપવાની કામગીરી પૂર
ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠક


- રૂ. ૩,૯૦૩.૩૦ કરોડના મૂડીરોકાણ સાથે રાજ્યમાં ૮,૧૭૮ થી વધુ નવી રોજગારીની તકોનું સર્જન થશે.

ગાંધીનગર, 12 ઓક્ટોબર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ ગુજરાતમાં ઉદ્યોગોના સર્વાંગી વિકાસ અને રોકાણને પ્રોત્સાહન આપવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ દિશામાં વધુ એક મોટું પગલું ભરતાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠકમાં, રાજ્યના વધુ ૨૫ ઔદ્યોગિક એકમોને સહાય આપવા માટે ફાઇનલ એલિજિબિલિટી પ્રમાણપત્રો આપવાની મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સ થકી રાજ્યમાં કુલ રૂ. ૩,૯૦૩.૩૦ કરોડનું મૂડીરોકાણ સાકાર થશે અને અંદાજે ૮,૧૭૮ જેટલી નવી રોજગારીની તકો ઊભી થશે.

ઔદ્યોગિક નીતિ-૨૦૧૫ નીતિ હેઠળ ૨૨ ઔદ્યોગિક એકમોના રૂ. ૧,૬૩૧.૯૦ કરોડના મૂડીરોકાણને મંજૂરી અપાઈ છે. તે ઉપરાંત આત્મનિર્ભર ગુજરાત યોજના-૨૦૨૨ યોજના હેઠળ ૩ મોટા એકમોના રૂ. ૨,૨૭૧.૪૦ કરોડના મૂડીરોકાણને આખરી મંજૂરી આપવામાં આવી છે.

આ સહાયનો સીધો લાભ રાજ્યના અમદાવાદ, મોરબી, ભરૂચ, કચ્છ, વડોદરા, મહેસાણા, ખેડા અને સુરેન્દ્રનગર સહિતના વિવિધ જિલ્લાઓમાં સ્થપાયેલા ઉદ્યોગોને મળશે. આ એકમો ઓટોમોબાઇલ, ટેક્સટાઇલ, પ્લાસ્ટિક, પેપર, કેમિકલ, સિરામિક તેમજ મેટલ જેવા મહત્વના ક્ષેત્રો સાથે સંકળાયેલા છે.

રાજ્ય સરકારની આ નીતિઓ હેઠળ ઔદ્યોગિક એકમોને નેટ SGST સહાય, વ્યાજ સહાય અને EPF રિઇમ્બર્સમેન્ટ સ્વરૂપે નાણાકીય પ્રોત્સાહનો પૂરા પાડવામાં આવી રહ્યા છે. સરકારના આ પ્રોત્સાહક અભિગમથી રાજ્યમાં મોટા પાયાના ઉદ્યોગોની સાથોસાથ MSME સેક્ટરના વિકાસને પણ નવું બળ મળશે અને ગુજરાત વૈશ્વિક રોકાણકારો માટે પ્રથમ પસંદગીનું કેન્દ્ર બની રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande