


- વળાંકો પાસે વધેલા ઝાડી-ઝાંખરા અને પથ્થરોના ઢગલાથી વાહનચાલકોને પડતી મુશ્કેલી દૂર કરવાની દિશામાં તંત્રની કામગીરી શરૂ.
કચ્છ, 12 ઓક્ટોબર (હિ.સ.) : ઉગેડી–દેશલપર માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. માર્ગની બંને બાજુએ ઊગી નીકળેલાં ઝાડી-ઝાંખરાંને કારણે અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરી રહેલા લોકોને હવે આ સમસ્યામાંથી મુક્તિ મળવાની આશા જાગી છે. ઉગેડી ગામના સરપંચ કરણ રબારી દ્વારા આ સમસ્યાના ઉકેલ માટે કરવામાં આવેલી રજૂઆત અને સતત પ્રયાસો બાદ તંત્ર દ્વારા માર્ગની સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે.
દેશલપર (ગુંતલી)થી ઉગેડી તરફ જતા આ માર્ગ પર લાંબા સમયથી રસ્તાની બંને બાજુએ વનસ્પતિ અને ઝાડી-ઝાંખરાં વધી ગયાં હતાં. તેના કારણે રસ્તાની આસપાસનો વિસ્તાર ઢંકાઈ જતાં વાહનચાલકોને માર્ગનો અંદાજ મેળવવામાં મુશ્કેલી પડતી હતી. ખાસ કરીને વળાંકો પર સામેથી આવતાં વાહનોને જોવામાં અડચણ ઊભી થતી હોવાથી અકસ્માતનો ભય રહેતો હતો. આ સ્થિતિમાં વાહન ચલાવતી વખતે વિશેષ સાવચેતી રાખવી પડતી હતી.
માર્ગની સમસ્યા માત્ર ઝાડી-ઝાંખરા પૂરતી સીમિત નહોતી. કેટલાક સ્થળોએ રસ્તાની બાજુમાં પડેલા પથ્થરોના ઢગલા પણ વાહનચાલકો માટે જોખમરૂપ બન્યા હતા. રસ્તા પરથી પસાર થતા દ્વિચક્રી વાહનચાલકો, કારચાલકો તેમજ અન્ય વાહનોને મુશ્કેલી ન પડે અને માર્ગ પર અવરજવર વધુ સુરક્ષિત બને તે માટે સફાઈની જરૂરિયાત અનુભવાતી હતી.
સ્થાનિકોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ઉગેડી ગામના સરપંચ કરણભાઈ રબારીએ સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. માર્ગ પરની પરિસ્થિતિ સુધારવા માટે તેમણે સતત પ્રયાસો કર્યા હતા. આખરે સફાઈ કામગીરી શરૂ થતાં સ્થાનિક લોકોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે. ઝાડી-ઝાંખરાં દૂર કરવાની સાથે માર્ગના વળાંકો પાસેના પથ્થરો સહિતની અડચણો પણ દૂર કરવામાં આવે તો વાહનચાલકોને વધુ સુવિધા મળી શકે છે.
હાલમાં શરૂ થયેલી કામગીરી સમયસર પૂર્ણ થાય અને માર્ગની બંને બાજુ યોગ્ય રીતે સફાઈ કરવામાં આવે તેવી સ્થાનિકોની અપેક્ષા છે. માર્ગની નિયમિત જાળવણી થાય તો ભવિષ્યમાં આવી સમસ્યાઓ ઊભી થતી અટકાવી શકાય તેમ છે. ઉગેડી–દેશલપર માર્ગને સુરક્ષિત અને સુગમ બનાવવાની દિશામાં શરૂ થયેલી આ કામગીરીથી વાહનચાલકોને રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar