
ભાવનગર, 12 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા શહેરના એરપોર્ટ રોડ પર રવેચીમા મંદિર સામેના ચોકમાંથી ચોરીની શંકાસ્પદ બે મોટર સાયકલ સાથે બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે રૂ. એક લાખની કિંમતનાં બે મોટર સાયકલ કબજે કરી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર LCB પોલીસ સ્ટાફ શહેર વિસ્તારમાં વણશોધાયેલા મિલકત સંબંધી ગુનાઓના શકમંદોની તપાસમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે એરપોર્ટ રોડ પર રવેચીમા મંદિર સામેના ચોકમાં એક ઇસમ કાળા રંગની હોન્ડા યુનિકોર્ન અને બીજો ઇસમ નંબર પ્લેટ વગરની હોન્ડા શાઇન મોટર સાયકલ સાથે ઊભા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર તપાસ કરતાં બંને ઇસમો મળી આવ્યા હતા. વાહનોના રજિસ્ટ્રેશન દસ્તાવેજો કે માલિકી અંગેના પુરાવા માંગતાં તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા.
પોલીસે કરણ કનુભાઇ આલગોતર (21) અને સુનીલભાઇ રાધવભાઇ આલગોતર (21), બંને રહે. રૂવા, ભાવનગરને ઝડપી લીધા હતા. પૂછપરછ દરમિયાન કરણે જણાવ્યું હતું કે તેનો મિત્ર પારસ સુભાષનગર, ભાવનગર ખાતે રહે છે અને થોડા દિવસ પહેલાં બંને મોટર સાયકલ તેની પાસે મૂકીને ગયો હતો. પારસે વલસાડથી યુનિકોર્ન અને સુરતથી શાઇન મોટર સાયકલ ચોરી કરી હોવાનું જણાવ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે રૂ. 50 હજારની કિંમતની યુનિકોર્ન અને રૂ. 50 હજારની કિંમતની શાઇન મોટર સાયકલ મળી કુલ રૂ. એક લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. વધુ તપાસ માટે બંને ઇસમોને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. ઉપરાંત, વાહન ચોરી અંગે વલસાડ અને સુરત પોલીસને જાણ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA