


ગાંધીનગર, 12 ઓક્ટોબર (હિ.સ.) ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા આયોજિત ભાતીગળ પરંપરાગત નવરાત્રી મહોત્સવનો આજે માતાજીની આરાધના, ભક્તિભાવ અને હર્ષોલ્લાસપૂર્ણ વાતાવરણમાં મંગલમય પ્રારંભ થયો હતો. પ્રથમ નોરતે વિજય મુહૂર્તમાં માતાજીની કલાત્મક કાષ્ટની માંડવડી અને ગરબાનું વિધિવત ઘટસ્થાપન કરવામાં આવ્યું હતું. માતાજીના જયઘોષ અને ભક્તિભાવથી સમગ્ર ગરબા પ્રાંગણમાં દિવ્ય અને પવિત્ર વાતાવરણ સર્જાયું હતું.
આ મહોત્સવની વિશિષ્ટ પરંપરા અનુસાર, સાંજે સેક્ટર-13 સ્થિત જય અંબે ચોકથી ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન કરી હતી. જય અંબે પરિવાર અને ગાંધીનગર કલ્ચરલ ફોરમના સભ્યો દ્વારા અંબાજીના ગર્ભગૃહમાં પ્રજ્વલિત દીવામાંથી શ્રદ્ધાપૂર્વક લાવવામાં આવેલી જ્યોતિ સ્વરૂપ સાક્ષાત જગદંબાને શોભાયાત્રા સાથે ગરબાના પ્રાંગણમાં પધરાવવામાં આવ્યાં હતાં. માતાજીની અખંડ જ્યોતિનું વિધિવત સ્થાપન થતાં જ સમગ્ર વાતાવરણ માતાજીના જયઘોષ અને ભક્તિના રંગે રંગાયું હતું. આ પવિત્ર પરંપરા કલ્ચરલના ગરબાની આધ્યાત્મિક ઓળખ અને શ્રદ્ધાની અનોખી અનુભૂતિ કરાવે છે.
ત્રણ દાયકાથી વધુ સમયની પરંપરા ધરાવતા ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં માતાજીની ભક્તિ, ગુજરાતી લોકસંસ્કૃતિ અને પરંપરાગત ગરબાનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. માતાજીની માંડવડીની આસપાસ ગરબે ઘૂમતા ખેલૈયાઓ, પરંપરાગત ગુજરાતી પોશાક અને માતાજીના ગરબાના મધુર સૂર સાથે નવરાત્રીના પ્રથમ નોરતે ભક્તિ અને ઉત્સવનો અનોખો માહોલ સર્જાયો હતો. આ સાથે જ ગાંધીનગર કલ્ચરલ ફોરમના નવરાત્રી મહોત્સવે માતાજીની આરાધના અને ગુજરાતી સંસ્કૃતિના જતનની આગવી પરંપરાને આગળ ધપાવી છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ