
ભાવનગર,12 ઓક્ટોબર (હિ.સ.)ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના વિરડી ગામે ખનીજ ચોરીના મુદ્દે થયેલા વિવાદમાં એક આધેડનું મોત નીપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. પ્રાથમિક માહિતી મુજબ, આનંદભાઈ પુજાભાઈ કંટારિયા પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા આનંદભાઈનું ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
મળતી માહિતી અનુસાર, વિરડી ગામમાં ખનીજ ચોરીના મુદ્દે આનંદભાઈ કંટારિયા અને તેમના કૌટુંબિક ભાઈઓ વચ્ચે વિવાદ થયો હતો. આ દરમિયાન આનંદભાઈએ કથિત રીતે ખનીજ ચોરી ન કરવા સમજાવતાં મામલો વણસ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતની અદાવત રાખીને તેમના પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
હુમલામાં ગંભીર ઈજાઓ પહોંચતાં આનંદભાઈને પ્રથમ ગારિયાધાર ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જોકે, તેમની સ્થિતિ ગંભીર જણાતાં વધુ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
આ ઘટનાને પગલે વિરડી ગામ સહિત આસપાસના વિસ્તારમાં ચકચાર મચી છે. ખનીજ ચોરી જેવા ગંભીર મુદ્દે થયેલા વિવાદમાં આધેડનું મોત થતાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે. ઘટનાની વધુ વિગતો અને હુમલા પાછળના ચોક્કસ કારણો અંગે સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટતા થઈ શકશે. પોલીસે તપાસ શરૂ કરી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA