
ભાવનગર, 12 ઓક્ટોબર (હિ.સ.)
વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસમાં વાલીઓની સહભાગિતા વધારવા અને તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપવાના હેતુથી બેલુર વિદ્યાલય ખાતે ‘વ્હાલોત્સવ – Rankers Rise 2026’નું આયોજન કરવામાં આવ્યું હતું. વ્હાલ, વિશ્વાસ અને સંવાદના સુંદર સંગમ સમાન આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન વાલીઓએ શાળાના શિક્ષકગણ સાથે પોતાના બાળકોના શૈક્ષણિક વિકાસ અને પ્રગતિ અંગે ચર્ચા કરી હતી. વિદ્યાર્થીઓના પ્રગતિ અહેવાલની સમીક્ષા કરીને તેમની શૈક્ષણિક ક્ષમતા, સિદ્ધિઓ અને સર્વાંગી વિકાસ અંગે વિચારોનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું. શિક્ષકો અને વાલીઓ વચ્ચેના સંવાદ દ્વારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સહિયારા પ્રયાસોનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું.
‘Rankers Rise 2026’ અંતર્ગત શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પ્રતિભાશાળી ‘બેલુર બર્ડઝ’નું સન્માન કરવામાં આવ્યું હતું. તેમની મહેનત, લગન અને સિદ્ધિઓને બિરદાવીને અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રેરણા આપવામાં આવી હતી.
આ વ્હાલોત્સવનો મુખ્ય ઉદ્દેશ શાળા, વિદ્યાર્થી અને પરિવાર વચ્ચે વિશ્વાસપૂર્ણ સંબંધ મજબૂત કરવાનો હતો. કાર્યક્રમ દ્વારા બાળકોના શિક્ષણમાં વાલીઓની સક્રિય ભૂમિકા અને શિક્ષકોના માર્ગદર્શનનું મહત્ત્વ ઉજાગર થયું હતું. સક્ષમ શાળા, સક્ષમ વિદ્યાર્થી અને સક્ષમ પરિવારના સંકલ્પ સાથે યોજાયેલા આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને નવી દિશા મળી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA