મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં, વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ-2026નો શુભારંભ કરાવ્યો
અમદાવાદ, 12 ઓક્ટોબર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે, વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ-૨૦૨૬નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ‘આહ્વાન મા આદ્યશક્તિ’ની થીમ પર ૮૦૦થી વધુ કલાકારોએ ગુજરાતની લોકસંસ્કૃતિ, શક્તિ ઉપાસના, સંગી
વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2026


વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2026


વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2026


વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2026


વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2026


અમદાવાદ, 12 ઓક્ટોબર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે, વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ-૨૦૨૬નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ‘આહ્વાન મા આદ્યશક્તિ’ની થીમ પર ૮૦૦થી વધુ કલાકારોએ ગુજરાતની લોકસંસ્કૃતિ, શક્તિ ઉપાસના, સંગીત, નૃત્ય અને આધ્યાત્મિક પરંપરાનું નિરૂપણ કરતી મનમોહક સાંસ્કૃતિક પ્રસ્તુતિ કરી હતી.

સાંસ્કૃતિક પ્રસ્તુતિના અંતે મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો ભક્તિભાવપૂર્વક મા જગદંબાની મહાઆરતીમાં સહભાગી થયા હતા.

જગતજનની મા આદ્યશક્તિની ભક્તિ અને આરાધનાના મહાપર્વ નવરાત્રિના પ્રારંભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, રાજ્યના સૌ નાગરિકોને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતનું જતન કરવા, સ્વચ્છતા જાળવવા તથા માતાઓ-બહેનો અને દીકરીઓની સુરક્ષા અને સન્માનના સંકલ્પ સાથે નવરાત્રિ પર્વની ઉજવણી કરવા નાગરિકોને અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવા અને રાષ્ટ્રસેવાનાં ૨૫ વર્ષ પૂર્ણ થવાં એ ગૌરવની બાબત છે. વિઝનરી નેતૃત્વ અને જનભાગીદારીના સમન્વયથી વિકાસનાં નક્કર પરિણામો પ્રાપ્ત કરી શકાય છે, તેનું પ્રેરણાદાયી ઉદાહરણ વડાપ્રધાનએ દેશ અને દુનિયા સમક્ષ પ્રસ્તુત કર્યું છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતની સદીઓ જૂની લોકપરંપરા નવરાત્રિ અને ગરબાને વૈશ્વિક ઓળખ અપાવવામાં વડાપ્રધાનશ્રીનું દિશાદર્શન મહત્ત્વપૂર્ણ રહ્યું છે. બીજી તરફ, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના માધ્યમથી રાજ્યના વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રની સાહસિકતાને વૈશ્વિક મંચ મળ્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાનના વિઝન અને પ્રયાસોથી લોકોત્સવોને જનભાગીદારી અને પ્રવાસન સાથે સાંકળવામાં આવ્યા છે. આના પરિણામે રાજ્યની સાંસ્કૃતિક ઓળખને નવી ઊંચાઈ મળવાની સાથે સ્થાનિક અર્થતંત્રને પણ વેગ મળ્યો છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, નવરાત્રિ મહોત્સવમાં હસ્તકલા કારીગરોના હાટ અને સખી મંડળો દ્વારા ઉત્પાદિત વસ્તુઓને સ્થાન આપીને ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને સાકાર કરવામાં આવી રહ્યો છે. આ પહેલથી સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન મળવાની સાથે નાના વેપારીઓ, હસ્તકલા કારીગરો અને મહિલા સ્વસહાય જૂથોને રોજગાર તથા આજીવિકાની તકો પ્રાપ્ત થઈ રહી છે.

પરંપરાગત ઉત્સવોને સ્થાનિક ઉત્પાદનો, પરંપરાગત કળા અને રોજગાર સાથે સાંકળવાનો આ અભિગમ નવરાત્રિને માત્ર સાંસ્કૃતિક ઉત્સવ પૂરતો મર્યાદિત ન રાખતાં સર્જનાત્મક અર્થતંત્રના વિકાસનું પણ પ્રતીક બનાવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના પ્રયાસોથી ગુજરાતની આગવી સાંસ્કૃતિક ઓળખ સમાન ગરબાને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સ્થાન મળ્યું છે. એટલું જ નહીં, કચ્છનો રણોત્સવ, સાપુતારા ફેસ્ટિવલ અને માધવપુરનો મેળો જેવાં આયોજનો ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓને દેશ-વિદેશમાં ઉજાગર કરી રહ્યાં છે.

એટલું જ નહીં, સોમનાથ સ્વાભિમાન પર્વ, સ્ટેચ્યૂ ઑફ યુનિટી, રણોત્સવ, અંબાજી કોરિડોર, પાવાગઢમાં ૫૦૦ વર્ષ પછી ધ્વજારોહણ સહિત કેદારધામ, કાશીવિશ્વનાથ કોરિડોર દ્વારા વડાપ્રધાનશ્રીએ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સાથે ‘વિરાસત ભી વિકાસ ભી’ની પરિકલ્પના સાકાર કરી છે.

ગુજરાતની આ સાંસ્કૃતિક ઓળખ અને ધાર્મિક પરંપરાઓનું જતન કરીને આ વારસો નવી પેઢી સુધી પહોંચાડવાની સૌની સહિયારી જવાબદારી છે, તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

સ્વચ્છતાના જનઆંદોલનમાં નાગરિકોની સહભાગિતા પર ભાર મૂકતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, યાત્રાધામો સ્વચ્છ અને સુઘડ રહે તે માટે વડાપ્રધાનશ્રીએ આસ્થા સાથે ‘સ્વચ્છાગ્રહ’ની પ્રેરણા આપી છે. તાજેતરમાં યોજાયેલા ભાદરવી પૂનમના મેળાનો ઉલ્લેખ કરતાં તેમણે નવરાત્રિ દરમિયાન જાહેર ગરબા સ્થળો, પાર્ટી પ્લોટ, સોસાયટીઓ અને શેરીઓમાં સ્વચ્છતા જાળવવા નાગરિકોને અનુરોધ કર્યો હતો. ઉત્સવની ઉજવણી દરમિયાન કચરાનો યોગ્ય નિકાલ કરીને સ્વચ્છ અને સુંદર વાતાવરણ જાળવવામાં સૌ સહભાગી બને તેવી અપીલ પણ તેમણે કરી હતી.

મુખ્યમંત્રીએ નવરાત્રિના પાવન અવસરે નાગરિકોને ગુજરાતની સંસ્કૃતિ અને વિરાસતનું ગૌરવ જાળવવા, યાત્રાધામો અને તીર્થસ્થળોની પવિત્રતા જાળવવા તથા ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ માટે સહિયારા પ્રયાસો કરવા અપીલ કરી હતી. માતાઓ-બહેનો અને દીકરીઓનું સન્માન તથા તેમની સુરક્ષા જાળવવાને સામાજિક જવાબદારી ગણાવીને તેમણે સૌ નાગરિકોને આ દિશામાં સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો હતો.

સરકારના વડા તરીકે વડાપ્રધાન મોદીના, જનસેવા અને રાષ્ટ્રસેવાનાં ૨૫ વર્ષ પૂર્ણ થયાં છે ત્યારે તેમની ‘સંકલ્પથી સિદ્ધિ’ સુધીની પ્રેરણાદાયી યાત્રાને આગળ વધારતાં વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણના રાષ્ટ્રીય લક્ષ્યને સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર યોગદાન આપશે જ, તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

અંતમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત, આત્મનિર્ભર અને સમૃદ્ધ ગુજરાતના નિર્માણના સંકલ્પો પૂર્ણ કરવાની શક્તિ આપવા જગતજનની મા અંબાને પ્રાર્થના કરી હતી.

વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવના શુભારંભ પૂર્વે મુખ્યમંત્રીએ નવ સંકલ્પ આધારિત થીમેટિક પ્રદર્શન, ફોટો ઝોન, સેલ્ફી પોઇન્ટ, બાળકો માટે તૈયાર કરાયેલી વિશેષ બાળનગરી, ફૂડ કોર્ટ અને હસ્તકલા બજાર સહિતનાં વિવિધ આકર્ષણોની મુલાકાત લીધી હતી.

આ દરમિયાન તેમણે ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની દ્વારા આયોજિત, ગૃહઉદ્યોગ તેમજ હસ્તકલા કારીગરીના મેળાનું પણ ઉદઘાટન કર્યું હતું. તેમણે સખીમંડળની બહેનો સાથે સહજ સંવાદ કરીને તેમના ઉત્પાદનો વિશે જાણકારી પણ મેળવી હતી.

કાર્યક્રમના પ્રારંભે, પ્રવાસન વિભાગના સચિવ કુલદીપ આર્યએ સૌનું સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા, જિલ્લા પંચાયતના પ્રમુખ સુરજીતસિંહ ગોહિલ, મેયર હિતેશભાઈ બારોટ, સાંસદ દિનેશભાઈ મકવાણા, સર્બિયા, યુક્રેન, પેલેસ્ટાઇન, મોલ્ડોવા, રોયલ થાઈ, એરિટ્રિયા, નાઇજર અને નેપાળના રાજદૂતો તેમજ પ્રતિનિધિઓ સહિત સ્થાનિક ધારાસભ્યો, કલેક્ટર ભવ્ય વર્મા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગરબારસિકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande