

પોરબંદર, 13 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર કલેક્ટર કચેરી, પોરબંદર ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં
જિલ્લા ગૌચર વિકાસ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં ગૌચર જમીનોના
વિકાસ, સંરક્ષણ તેમજ પશુધન માટેની સુવિધાઓને
વધુ સુદૃઢ બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
મંત્રી અર્જુન મોઢવાડીયાએ ગૌચર જમીનોને પશુધન
માટે વધુ ઉપયોગી બનાવવા અને ઘાસ વાવેતર સહિતની પશુઓને અનુકુળ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ
કરાવવાના હેતુથી વિકાસલક્ષી અભિગમ અપનાવવા પર સૂચન કર્યું હતું.
તેમજ બેઠક દરમિયાન મહાનગર પાલિકા વિસ્તારની
ગૌચર જમીનોનો યોગ્ય વિકાસ થાય, તેનું
જતન અને સંરક્ષણ સુનિશ્ચિત બને તેમજ ગૌચર જમીનોનો વધુમાં વધુ ઉપયોગ પશુધનના કલ્યાણ
માટે થઈ શકે તે અંગે વિવિધ બાબતો પર વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
જિલ્લામાં ગૌચર જમીનોના સુવ્યવસ્થિત વિકાસ અને
સંરક્ષણ દ્વારા પશુધનના કલ્યાણને પ્રોત્સાહન મળે તેમજ ગૌચર સંસાધનોનો અસરકારક
ઉપયોગ થઈ શકે તે દિશામાં બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી.ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર આશિષ મિયાત્રા, પ્રાંત અધિકારી સંદીપ જાદવ, નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન
ચતુર્વેદી સહિત સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya