
ટેમ્પોની અડફેટે ખેતર તરફ ગયેલ આધેડનું સ્થળ પર જ મોત
વાલિયા તાલુકાના મોદલીયા ગામની ઘટના પુરઝડપે દોડતા છોટા હાથી ટેમ્પોએ સર્જ્યો અકસ્માત
છોટા હાથીના ચાલક વિરુધ્ધ વાલિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો
ભરૂચ 13 ઓક્ટોબર (હિ.સ.)
ભરૂચ જિલ્લાના વાલિયા અને નેત્રંગ પંથકમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં વધુ એક નિર્દોષ નાગરિકે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. વાલિયા તાલુકાના મોદલીયા ગામની સીમમાં રોડની બાજુમાં જઈ રહેલા 55 વર્ષીય આધેડને પૂરઝડપે આવતા ટેમ્પો ચાલકે અડફેટમાં લેતા આધેડનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ ગંભીર અકસ્માત અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ઘટના અંગે મળતી માહિતી અનુસાર ગત રોજ સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં મોદલીયા ગામના નિશાળ ફળિયામાં રહેતા ધીરૂ છગન વસાવા (ઉ.વ. આશરે 55) ગામના એક ખેતર પાસે રોડની બાજુમાં કુદરતી હાજતે ગયા હતા. ત્યાંથી પરત ફરતી વેળાએ નેત્રંગ તરફથી વાલિયા તરફ પૂરઝડપે ધસી આવેલા બંધ બોડીના 'છોટા હાથી' ટેમ્પોએ તેમને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે ધીરૂ વસાવાને મોઢાના તથા કપાળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના કારણે તેઓ જમીન પર પડી ગયા હતા અને તેમનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું.
અકસ્માત સર્જ્યા બાદ ટેમ્પો ચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.આ અકસ્માતમાં મરણ પામનાર ધીરૂ વસાવાના પરિવારમાં ઘટનાને પગલે શોક ફેલાયો હતો.ઘટના સંદર્ભે મૃતકના ભત્રીજા છત્રસિંગ બાલુ વસાવા રહે.નિશાળ ફળિયું,મોદલીયા,તા.વાલિયાનાએ અકસ્માત કરનાર ટેમ્પો ચાલક વિરુધ્ધ વાલિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. વાલિયા પંથકમાં વધતા જતા અકસ્માતોને લઈને વાહનચાલકો પર કડક નિયંત્રણો લાવવાની લોકોમાં પ્રબળ માંગ ઉઠી રહી છે. બેફામ દોડતા વાહનોના ચાલકો સામે તંત્ર લાલઆંખ કરી તેમને નિયમોનું ભાન કરાવે તે જરૂરી બન્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ