
રાજકોટ, 13 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલા ડો. આંબેડકર સર્કલ પાસે આસ્થા ચોક વિસ્તારમાં મોડી રાત્રે જૂની અદાવતના ખાર રાખીને એક ૨૮ વર્ષીય યુવાન પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. વાહન અડવા બાબતે અઠવાડિયા પહેલા થયેલી બોલાચાલીના સમાધાનના બહાને બોલાવીને પેટ, પીઠ અને પગના ભાગે છરીના ઘા ઝીંકી દેવામાં આવતા ગંભીર રીતે ઘાયલ થયેલા આ યુવાને સારવાર દરમિયાન હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો, જેના કારણે સમગ્ર પરિવારમાં ભારે શોક અને કલ્પાંત ફેલાઈ ગયો છે.
મળતી વિગતો અનુસાર, મવડી પાળ રોડ પર મીરાબાઈ આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતો પરેશ ડાભાભાઈ ચૌહાણ નામનો ૨૮ વર્ષીય અપરિણીત યુવાન રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં ૧૫૦ ફુટ રીંગ રોડ પર ડો. બાબાસાહેબ આંબેડકર સર્કલ નજીક આસ્થા ચોક ખાતે પોતાના મિત્રો સાથે બેઠો હતો. તે સમયે આંબેડકરનગરમાં રહેતા અને નામચીન છાપ ધરાવતા રાધે, કાનો ઉર્ફે અનિલ તથા અન્ય અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા હતા. આરોપીઓએ પરેશની અટક પૂછીને ચૌહાણ અટકવાળા સાથે પોતાને વાંધો છે તેમ કહીને અચાનક ઉગ્ર બોલાચાલી શરૂ કરી દીધી હતી.
વાતચીત દરમિયાન જ આરોપીઓએ ઉશ્કેરાઈને પોતાની પાસે રહેલી છરી વડે પરેશ પર હુમલો કરી દીધો હતો અને તેના શરીર પર ઉપરાઉપરી છરીના ઘા ઝીંકી દીધા હતા. રાત્રે અચાનક બૂમાબૂમ અને દેકારો થતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા, જેનો ફાયદો ઉઠાવીને તમામ હુમલાખોરો ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. લોહીલુહાણ હાલતમાં પડેલા પરેશને તાત્કાલિક સારવાર માટે ગિરીરાજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ સવારે તેનું કરુણ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ માલવિયાનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે. એમ. કૈલા તેમજ સ્ટાફ તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયો હતો. શરૂઆતમાં આ બનાવ માલવિયાનગર પોલીસની હદમાં હોવાનું માનીને પ્રાથમિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં સ્થળ તપાસ કરતા આ બનાવ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતો હોવાનું સ્પષ્ટ થતાં આગળની કાયદેસરની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ. આર. મેઘાણી અને પીએસઆઈ બી. આર. ભરવાડને સોંપવામાં આવી હતી. યુવાનની હત્યાનો માલો પલટાતા જ મામલો ગંભીર બન્યો હતો અને આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવા માટે ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી તેમજ ઝોન-૨ ની ટીમો પણ સક્રિય થઈને તપાસમાં જોડાઈ ગઈ હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે અઠવાડિયા પહેલા પરેશ મવડી પાળ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન કોઈ વાહન અડી જવા જેવી સામાન્ય બાબતે આરોપીઓ સાથે તેની બોલાચાલી થઈ હતી. આ મામલે અદાવત રાખીને સમાધાનના બહાને તેને આસ્થા ચોક ખાતે બોલાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ પૂર્વ આયોજિત ખાર રાખીને આ લોહિયાળ હુમલો કરવામાં આવ્યો હતો.
મૃતક પરેશ બે ભાઈઓમાં મોટો હતો અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે બેકરીમાં કામ કરવા ઉપરાંત લોન કન્સલ્ટન્સીનું કામ પણ સંભાળતો હતો. તેના પિતા ડાભાભાઈ ચૌહાણ એક કંપનીમાં નોકરી કરે છે. યુવાન પુત્રના અચાનક અને આક્ષેપિત મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પોલીસે ફરાર થઈ ગયેલા તમામ આરોપીઓની સઘન શોધખોળ શરૂ કરી દીધી છે અને ટૂંક સમયમાં જ તેમને જેલના સળિયા પાછળ ધકેલવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt