
રાજકોટ, 13 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના માધાપર ચોકડી પાસે આવેલી ડિવાઈન સિટી સોસાયટીમાં એક હ્રદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ગંભીર બીમારીથી પીડિત ભત્રીજીની ખબર અંતર પૂછવા આવેલા પરિવારના પર્સમાંથી ઘરકામ કરતી મહિલાએ સોનાનો ચેઈન અને રોકડ રકમ ચોરી લીધી હોવાની સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ છે.
જૂનાગઢના શ્રીજી પાર્ક વિસ્તારમાં રહેતા અને ઘરકામ કરી ગુજરાન ચલાવતા સિદ્ધિબેન ભગવતીપ્રસાદ નિમાવત ગત ૧૮ એપ્રિલ ૨૦૨૬ના રોજ પોતાની માતા સાથે રાજકોટ આવ્યા હતા. તેમના મામાની દીકરી પ્રીતિબેનની ૨૧ વર્ષીય પુત્રી વિધિ કિડનીની ગંભીર બીમારીથી પીડાઈ રહી હોવાથી, આ પરિવાર તેની ખબર પૂછવા અને સહાયતા માટે ડિવાઈન સિટી ખાતે રોકાયો હતો.
તમામ મુલાકાત પૂર્ણ કર્યા બાદ ૨૪ એપ્રિલ ૨૦૨૬ના રોજ તેઓ કાર દ્વારા જૂનાગઢ પરત ફર્યા હતા. ત્યાં પહોંચીને જ્યારે પર્સની ચકાસણી કરવામાં આવી, ત્યારે સિદ્ધિબેનને ખબર પડી કે તેમાં રહેલો આશરે ૧૦ ગ્રામ વજનનો કિંમતી સોનાનો ચેઈન અને રૂ.૩,૫૦૦ રોકડા ગાયબ છે, જેની કુલ કિંમત અંદાજે રૂ.૧,૨૦,૦૦૦ જેટલી થાય છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ કરતા ખુલાસો થયો કે પ્રીતિબેનના ઘરે સાફ-સફાઈ અને વાસણ-કચરાનું કામ કરતી નિતાબેન નામના ઘરઘાટીએ જ આ ચોરીને અંજામ આપ્યો છે. અગાઉ પણ આ મહિલાએ સમાન પ્રકારની હરકત કરી હતી, પરંતુ ત્યારે મામલો થાળે પડી ગયો હતો. આ વખતે પણ પુરાવા મળતા તેણે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
ચોરીની કબૂલાત બાદ આરોપી નિતાબેને દર મહિને રૂ.૫,૦૦૦ ચૂકવીને નુકસાની ભરપાઈ કરી આપવાનો વાયદો કર્યો હતો. જો કે, લાંબો સમય વીતી જવા છતાં એક પણ રૂપિયો પરત ન આપતા આખરે ભોગ બનનાર સિદ્ધિબેને સોમવારે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt