
ભાવનગર, 13 ઓક્ટોબર (હિ.સ.)ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ભાવનગર શહેરના ફૂલસર વિસ્તારમાં આવેલી સરકારી હાઈસ્કૂલ ખાતે આંતરરાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દીકરીઓના શિક્ષણ, સુરક્ષા, સશક્તિકરણ અને સમાજમાં દીકરીઓ પ્રત્યે સકારાત્મક અભિગમને પ્રોત્સાહન આપવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હેઠળ કાર્યરત DHEW, સખી વન સ્ટોપ સેન્ટર (OSC) અને પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર (PBSC)ની ટીમ દ્વારા વિદ્યાર્થિનીઓને વિવિધ વિષયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને પોક્સો એક્ટ (POCSO Act), બાળકોની સુરક્ષા, તેમના અધિકારો તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા અમલમાં મૂકવામાં આવતી વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.
‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત ધોરણ-8માં પ્રથમ ત્રણ ક્રમ પ્રાપ્ત કરનાર ચાર દીકરીઓને શિક્ષણ કીટ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવી હતી. આ ઉપરાંત, રમતગમત ક્ષેત્રે ઝોનલ કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર દીકરીઓને ટી-શર્ટ અને ટોપીની કીટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા અને પરિવારમાં દીકરીના આગમનને આનંદપૂર્વક આવકારવાનો સંદેશ આપવા માટે ફૂલસર વિસ્તારની ત્રણ નવજાત દીકરીઓને ‘દીકરી વધામણાં કીટ’ અર્પણ કરવામાં આવી હતી.
આ ઉજવણી દ્વારા દીકરીઓને શિક્ષણમાં આગળ વધવા, પોતાના અધિકારો પ્રત્યે જાગૃત બનવા અને આત્મવિશ્વાસ સાથે જીવનમાં પ્રગતિ કરવા પ્રેરણા આપવામાં આવી હતી. સાથે જ દીકરીઓને સમાન તકો આપવા અને તેમના જન્મને આવકારવા અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA