
જામનગર, 13 ઓક્ટોબર (હિ.સ.) જામનગરના રિલાયન્સ ગ્રીન્સ ખાતે ચાલી રહેલા ભવ્ય નવરાત્રી મહોત્સવમાં બોલિવૂડ કલાકારોની હાજરીથી ઉત્સાહ બેવડાયો છે. પ્રથમ દિવસે વરુણ ધવન અને કિર્તીદાન ગઢવીએ ખેલૈયાઓમાં અનોખો જોશ ભર્યો હતો, ત્યારે બીજા નોરતે સિદ્ધાર્થ મલ્હોત્રા અને તાપસી પન્નુએ વિશેષ પરફોર્મન્સ આપીને રંગ જમાવ્યો હતો. આ સ્ટાર્સના આગમનને લઈને શહેરમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી.
બીજા નોરતાની રાત્રિએ યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં સહભાગી થવા માટે બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી તાપસી પન્નુ બપોર બાદ ખાસ વિમાન મારફતે મુંબઈથી જામનગર એરપોર્ટ પર ઉતર્યા હતા. એરપોર્ટ પરથી તેઓ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અને વિશાળ કાફલા સાથે સીધા રિલાયન્સ ગ્રીન્સ ખાતે જવા માટે રવાના થયા હતા. તેમની આ ખાસ ઝલક મેળવવા માટે ચાહકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
અગાઉ પ્રથમ નોરતે બોલિવૂડ સ્ટાર વરુણ ધવને પરંપરાગત ભરતગૂંથણવાળું કેડિયું પહેરીને સંપૂર્ણ ગુજરાતી સંસ્કૃતિના રંગમાં રંગાઈને કેમ છો જામનગર કહીને ખેલૈયાઓનું અભિવાદન કર્યું હતું અને જામનગરના ભરપૂર વખાણ કર્યા હતા. ગાયક કિર્તીદાન ગઢવીના સૂર સાથે બોલિવૂડ સ્ટાર્સની હાજરીએ રિલાયન્સ ટાઉનશીપની આ નવરાત્રીને ખેલૈયાઓ માટે એક અસ્મરણીય અને યાદગાર સંસ્મરણ બનાવી દીધું છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt