
ભાવનગર, 13 ઓક્ટોબર (હિ.સ.)ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલય ‘ભાવ કમલમ્’ ખાતે જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલની અધ્યક્ષતામાં સંગઠનાત્મક બેઠક યોજાઈ હતી. બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા, પક્ષની પ્રવૃત્તિઓને વેગ આપવા અને આગામી દિવસોમાં હાથ ધરાનારી કાર્યયોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં પ્રદેશ ભાજપના સહ સંગઠન મહામંત્રી અરુણ બિન્નાડી, પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે અને જિલ્લા ભાજપ પ્રભારી હર્ષદગીરી ગોસાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંગઠનના કાર્યકરોને માર્ગદર્શન આપતાં સંગઠનની કામગીરી વધુ અસરકારક બનાવવા, પક્ષની નીતિઓ અને વિચારોને જનજન સુધી પહોંચાડવા તેમજ જનસંપર્કને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો.
આ બેઠકમાં જિલ્લા મહામંત્રીઓ ગોપાલભાઈ વાઘેલા, ગેમાભાઈ ડાંગર અને વી.ડી. સોરઠીયા હાજર રહ્યા હતા. આ ઉપરાંત ધારાસભ્યો શંભુનાથજી બાપુ, શીવાભાઈ ગોહિલ, ભીખાભાઈ બારૈયા અને ગૌતમભાઈ ચૌહાણ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવા અને પૂર્વ જિલ્લા અધ્યક્ષ હર્ષદભાઈ દવે સહિત સંગઠનના હોદ્દેદારો, આગેવાનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન સંગઠનની વર્તમાન કામગીરીની સમીક્ષા કરવા સાથે આગામી કાર્યક્રમોનું આયોજન, કાર્યકરોની સક્રિય ભાગીદારી અને પક્ષના સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ સરકારની લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા અને જનસેવાના કાર્યોમાં સક્રિય રહેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA