


400 જેટલા કેમેરા દ્વારા રાત-દિવસ મોનિટરિંગ, શંકાસ્પદ હિલચાલ પર નજર અને ટ્રાફિક જામની સ્થિતિમાં તાત્કાલિક પોલીસને સૂચના આપવાની વ્યવસ્થા
કચ્છ, 13 ઓક્ટોબર (હિ.સ.) :નવરાત્રિના નવ દિવસ દરમિયાન ગરબા મહોત્સવમાં ઉમટતી માનવમેદની વચ્ચે સુરક્ષા વ્યવસ્થા જાળવવી અને ટ્રાફિકનું સુચારુ સંચાલન કરવું પોલીસ માટે મહત્ત્વપૂર્ણ જવાબદારી છે. આ પડકારને પહોંચી વળવા પૂર્વ કચ્છ-ગાંધીધામ પોલીસ દ્વારા આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગાંધીધામ, અંજાર અને ભચાઉ શહેરોમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી છે. ‘નેત્રમ’ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા CCTV કેમેરાના માધ્યમથી જાહેર સ્થળો, ગરબા ગ્રાઉન્ડ અને મુખ્ય માર્ગો પર સતત નજર રાખવામાં આવી રહી છે.
રાજ્ય સરકારના સેફ એન્ડ સિક્યોર ગુજરાત અભિગમ હેઠળ અમલી VISWAS (વિશ્વાસ) પ્રોજેક્ટ અંતર્ગત આ ત્રણેય શહેરોમાં CCTV આધારિત ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ કાર્યરત છે. બોર્ડર રેન્જના IG ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર, નાયબ પોલીસ અધિક્ષક અને VISWAS પ્રોજેક્ટના નોડલ અધિકારી એ.વી. રાજગોર તથા ‘નેત્રમ’ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.જી. રાજના માર્ગદર્શન હેઠળ આ વ્યવસ્થા કાર્યરત છે.
નવરાત્રિ દરમિયાન ગરબા ગ્રાઉન્ડના પ્રવેશદ્વાર અને બહાર નીકળવાના માર્ગો પર લગાવેલા કેમેરાથી લોકોની અવરજવર તથા ભીડની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવે છે. કંટ્રોલ રૂમમાં મહિલા પોલીસ કર્મચારીઓ પણ CCTV ફૂટેજનું સતત મોનિટરિંગ કરે છે. કોઈ શંકાસ્પદ હિલચાલ કે અનિચ્છનીય બનાવ જણાય તો વાયરલેસ મારફતે સ્થળ પર તૈનાત પોલીસ કર્મચારીઓને જાણ કરવામાં આવે છે, જેથી સમયસર કાર્યવાહી શક્ય બને.
શહેરોમાં લગાવેલા ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) કેમેરા વાહનોની ઓળખ કરવામાં મદદરૂપ બને છે. વાહનચોરી કે ચેઇન સ્નેચિંગ જેવી ઘટનાની જાણ થાય ત્યારે CCTV ફૂટેજના આધારે શંકાસ્પદ વ્યક્તિ અને વાહનની ઓળખ મેળવવામાં આવે છે. જરૂરી માહિતી તથા ફોટોગ્રાફ સ્થળ પરની પોલીસ ટીમ સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
રાત્રિના સમયે પણ સ્પષ્ટ દેખરેખ રાખવા આશરે 400 CCTV કેમેરા નાઇટ વિઝન મોડમાં કાર્યરત રાખવામાં આવે છે. આ ઉપરાંત, કોઈ બાળક મેળામાં કે ગરબા સ્થળે ખોવાઈ જાય તો છેલ્લાં CCTV ફૂટેજના આધારે તેની હિલચાલ અને સંભવિત સ્થળ શોધવામાં મદદ મળે છે.
મુખ્ય માર્ગો પર ટ્રાફિકની ગીચતા વધે અથવા જામ સર્જાય ત્યારે કંટ્રોલ રૂમ દ્વારા ટ્રાફિક પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવે છે. જરૂરિયાત મુજબ પબ્લિક એડ્રેસ સિસ્ટમથી જાહેરાત કરીને લોકોને માર્ગદર્શન પણ અપાય છે. આમ, ટેક્નોલોજી અને પોલીસની સક્રિય કામગીરીના સમન્વયથી નવરાત્રિ દરમિયાન નાગરિકોની સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar