
ભચાઉના જૂના કટારિયા નજીક રેલવે ટ્રેક પાસે દારૂના કટીંગ દરમિયાન દરોડો; 14,040 બોટલ-ક્વાર્ટર સહિત ચાર વાહનો કબજે, સંડોવાયેલા ઈસમો સામે કાર્યવાહી
કચ્છ, 13 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છ જિલ્લામાં દારૂની ગેરકાયદે હેરાફેરી અને વેચાણ સામે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ બનાવવામાં આવી છે. ત્યારે ભચાઉ તાલુકાના જૂના કટારિયા ગામની સીમમાં રેલવેના પાટા નજીક આવેલા અવાવરુ ખેતરોમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના કટીંગની પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમીના આધારે સરહદી રેન્જ ભુજની ક્રાઈમ-2 ટીમ અને લાકડિયા પોલીસ દ્વારા સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં દારૂનો મોટો જથ્થો અને ચાર વાહનો સહિત કુલ ₹63,41,160નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયાની સૂચનાથી નવરાત્રી અને દિવાળીના તહેવારો દરમિયાન પ્રોહિબિશન સંબંધિત ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અન્વયે ક્રાઈમ-2ના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.પી. બોડાણાના માર્ગદર્શન હેઠળ કાર્યરત ટીમને જૂના કટારિયા નજીક દારૂના જથ્થાનું કટીંગ થતું હોવાની ખાનગી બાતમી મળી હતી.
બાતમીને આધારે સરહદી રેન્જ ભુજની ટીમે લાકડિયા પોલીસના સ્ટાફને સાથે રાખીને, સ્થળ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન વિવિધ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો અને ક્વાર્ટરની કુલ 14,040 નંગ મળી આવ્યાં હતાં. પોલીસે આ દારૂના જથ્થાની કિંમત ₹30,41,160 આંકી હતી. આ ઉપરાંત સ્થળ પરથી હ્યુન્ડાઈ ક્રેટા સહિત ત્રણ કાર અને એક ટ્રેક્ટર સાથેની ટ્રોલી મળી કુલ ચાર વાહનો કબજે કરવામાં આવ્યાં હતાં, જેની કિંમત ₹33 લાખ દર્શાવવામાં આવી છે.
આમ, દારૂ અને વાહનો મળીને પોલીસે કુલ ₹63,41,160નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર મામલે લાકડિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારાની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી સંડોવાયેલા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સંયુક્ત કામગીરીમાં સરહદી રેન્જની ક્રાઈમ-2 ટીમ અને લાકડિયા પોલીસના અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયા હતા. તહેવારોના સમયગાળા દરમિયાન દારૂની ગેરકાયદે હેરાફેરી અટકાવવા માટે પોલીસની આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar