
મહેસાણા, 13 ઓક્ટોબર (હિ.સ.) કલેક્ટર હર્ષિલ મીણાએ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા આયોજન કરવા તેમજ પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણની વ્યવસ્થા મજબૂત બનાવવા ભાર મૂક્યો હતો. આ ઉપરાંત મોડેલ ફાર્મ તૈયાર કરવા અને નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ હેઠળ થતી કામગીરી અંગે જરૂરી સૂચનો આપ્યા હતા.
બેઠકમાં આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર તેજલબેન શેઠે પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત થયેલી કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો. તેમાં પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ કેન્દ્રો, જિલ્લા અને તાલુકાવાર ફાળવાયેલા લક્ષ્યાંકો, વિસ્તરણ કાર્યક્રમની તાલીમ, કૃષિ સખીની તાલીમ અને દર પાંચ ગ્રામ પંચાયત દીઠ ક્લસ્ટર આધારિત તાલીમ અંગે વિગતો રજૂ કરવામાં આવી હતી.
બેઠકમાં મોડેલ ફાર્મ તૈયાર કરવા સહિત પ્રાકૃતિક કૃષિ સંબંધિત વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ બાગાયત નિયામક, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો, આત્માના અધિકારીઓ, સંબંધિત વિભાગોના કર્મચારીઓ અને પ્રાકૃતિક ખેતી કરતા અગ્રણી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR