
જિલ્લા તંત્ર સમક્ષ માંગ સરકારી કચેરીઓમાં જવાબદારી નક્કી કરી નિયમોનું ચુસ્ત પાલન કરવા અપીલ
ભરૂચ, 13 ઓક્ટોબર (હિ.સ.) આરટીઆઈ, જાહેર સેવાઓ અને શિક્ષણ અધિકારના અમલ માટે ભરૂચ કલેક્ટરને રાજ્યપાલને સંબોધિને આવેદન પત્ર આપવામાં આવ્યું .કાયદા ચોપડામાં નહીં, કચેરીમાં દેખાવા જોઈએ.આરટીઆઈથી લઈને શિક્ષણ અધિકાર સુધી તંત્ર સામે આર.ટી.આઈ.એક્ટિવિસ્ટોની નક્કર માંગ છે .સરકારી કચેરીઓમાં પારદર્શિતા, નાગરિકોને સમયસર સેવા અને ખાનગી પ્રાથમિક શાળાઓની નિયમિત તપાસ માટે રજૂઆત કરવામાં આવી.
ભરૂચ કાયદા ઘડાઈ ગયા,પણ સામાન્ય નાગરિક સુધી તેનો લાભ પહોંચે છે કે નહીં, એ સવાલ સાથે 13 ઓક્ટોબરના રોજ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટને રાજ્યપાલને સંબોધિને આવેદનપત્ર પાઠવતા ભરૂચ આરટીઆઈ એક્ટિવિસ્ટો સરકારી કચેરીઓમાં પારદર્શિતા અને જવાબદારી નક્કી થાય, નાગરિકોને નિયત સમય મર્યાદામાં સેવાઓ મળે અને બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણનો અધિકાર મળે, તે માટે વિવિધ કાયદાઓના અસરકારક અમલની માંગ આવેદનમાં કરવામાં આવી છે.રજૂઆતનો સૂર સ્પષ્ટ છે કે જોગવાઈઓ માત્ર કાગળ પર ન રહે, તંત્રએ જમીન પર નક્કર પગલાં ભરવા જોઈએ.
માહિતી અધિકાર અધિનિયમ-2005ને 21 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે, ત્યારે સરકારી કચેરીઓમાં તેનો યોગ્ય અમલ થાય તે મુદ્દો આવેદનમાં મુખ્યત્વે ઉઠાવાયો છે. કાયદા મુજબ કચેરીઓમાં ઉપલબ્ધ માહિતી, કામગીરી, નિયમો અને નિર્ણય પ્રક્રિયાની વિગતો જાહેર કરવામાં આવે તથા 17 મુદ્દાનું સ્વયંપ્રેરિત માહિતી પ્રગટીકરણ નિયમિત અપડેટ થાય, તેવી માંગ કરાઈ છે. સાથે જ દરેક સરકારી કચેરીમાં જાહેર માહિતી અધિકારી, સહાયક જાહેર માહિતી અધિકારી અને પ્રથમ અપીલ સત્તાધિકારીનાં નામ, હોદ્દા અને સંપર્ક વિગતો દર્શાવતાં બોર્ડ લગાવવા, આરટીઆઈ અરજીઓ અને અપીલોનો રેકોર્ડ જાળવવા તથા વાર્ષિક અહેવાલ તૈયાર કરવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પણ જણાવાયું છે. માહિતી આપવામાં થતા વિલંબ અને અપીલોના નિકાલની સમીક્ષા કરી, જ્યાં જરૂર જણાય ત્યાં રાજ્ય માહિતી આયોગ સમક્ષ યોગ્ય કાર્યવાહી માટે ભલામણ કરવાની માંગ પણ મુકાઈ છે.
નાગરિકોને રોજબરોજના કામ માટે કચેરીઓના ધક્કા ન ખાવા પડે, એ હેતુથી ગુજરાતના નાગરિકોને જાહેર સેવાઓ મેળવવાના અધિકાર અધિનિયમ-2013ના અમલનો મુદ્દો પણ આવેદનમાં સામેલ છે. સરકારી સેવાઓ માટે સમયમર્યાદા જાહેર કરવી, જવાબદાર અધિકારીઓની નિમણૂક કરી તેમની વિગતો પ્રસિદ્ધ કરવી તથા સેવા મેળવવામાં વિલંબ કે બેદરકારી થાય તો ફરિયાદ અને અપીલની અસરકારક વ્યવસ્થા ઊભી કરવી, એવી રજૂઆત કરાઈ છે. ફરિયાદોના નિકાલ અને અપીલ અંગેના અહેવાલોની નિયમિત સમીક્ષા થાય તેવી માંગ પણ કરવામાં આવી છે.
બાળકોની સુરક્ષા અને શિક્ષણ પણ આવેદનના કેન્દ્રમાં રહ્યાં છે. શિક્ષણના અધિકાર અધિનિયમ-2009 હેઠળ માન્યતા ધરાવતી ખાનગી પ્રાથમિક શાળાઓમાં નિયમિત તપાસ થાય, તેવી માંગ કરાઈ છે. શાળાની માન્યતા, શિક્ષકોની લાયકાત, વિદ્યાર્થી-શિક્ષક પ્રમાણ, ફાયર સેફ્ટી, પીવાનું પાણી, સ્વચ્છતા, વિદ્યાર્થીઓની સુરક્ષા અને ફી સંબંધિત નિયમો સહિત શિક્ષણ અધિકારની જોગવાઈઓનું પાલન થાય છે કે નહીં તે ચકાસવા જણાવાયું છે. ખામીઓ જણાય તો નિયમ મુજબ કાર્યવાહી કરવી તથા શાળાઓમાં ફરિયાદ માટે જવાબદાર અધિકારીઓની સંપર્ક વિગતો જાહેર કરવી, એવી પણ રજૂઆત છે.
આવેદનમાં આરટીઆઈ અધિનિયમની કલમ 4, 5, 19, 20 અને 2 સહિતની સંબંધિત જોગવાઈઓ તથા જાહેર સેવાઓ અને શિક્ષણ અધિકારને લગતી વિવિધ કલમોના અમલ તરફ તંત્રનું ધ્યાન દોરાયું છે. રજૂઆતનો મુખ્ય આશય એટલો જ કે સરકારી કચેરીઓમાં જવાબદારી નક્કી થાય, નાગરિકોને માહિતી અને સેવાઓ મેળવવામાં મુશ્કેલી ન પડે અને બાળકોના શિક્ષણ તથા સુરક્ષાના નિયમોનું ચુસ્ત પાલન થાય.
હવે સૌની નજર જિલ્લા તંત્ર પર છે. આ રજૂઆત બાદ કચેરીઓમાં માહિતી જાહેર કરવાની વ્યવસ્થા સુધરે છે કે કેમ, સરકારી સેવાઓ સમયસર મળતી થાય છે કે કેમ અને ખાનગી શાળાઓની તપાસ અંગે નક્કર પગલાં લેવાય છે કે કેમ, તે જોવું રહ્યું. આવેદનનો અસરકારક અમલ થાય તો પારદર્શિતા વધવાની સાથે સામાન્ય નાગરિકોના અધિકારોનું રક્ષણ પણ થઈ શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ