
રાજકોટ, 13 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને લઈને અવારનવાર વિવાદો સામે આવતા રહે છે, ત્યારે તાજેતરમાં સોમવારે સવારથી સાંજ સુધીમાં જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં મારામારી અને ધમકી આપવાના ત્રણ અલગ-અલગ બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. આ ઘટનાઓમાં શાપર, ધોરાજી અને ગોંડલ વિસ્તારનો સમાવેશ થાય છે, જ્યાં સામાન્ય બોલાચાલી અને અંગત બાબતોને લઈને મામલો ઉગ્ર બન્યો હતો અને હુમલાઓ કરવામાં આવ્યા હતા. આ મામલે પોલીસ દ્વારા સંબંધિત આરોપીઓ વિરુદ્ધ ગુના નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રથમ બનાવ શાપર વિસ્તારના એસઆઇડીસી રોડ પર આવેલા રામદેવનગરનો છે, જ્યાં મૂળ મેંદરડાના વતની અને હાલ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા રાહુલ અરવિંદભાઇ દેગડા પર સાગર મહાવદીયા નામના શખ્સે પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવની વિગતો મુજબ, રાહુલભાઈની પત્ની જ્યારે રસ્તા પરથી ચાલીને જઈ રહી હતી, ત્યારે આરોપી સાગરે પોતાની ગાડી તેની નજીક ઊભી રાખી હતી. આ બાબતે સ્પષ્ટતા કરવા અને સમજાવવા માટે રાહુલભાઈ આરોપી પાસે ગયા હતા. આ વાતચીત દરમિયાન ઉશ્કેરાઈને આરોપી સાગરે રાહુલભાઈને અપશબ્દો કહ્યા હતા અને ઢીકાપાટુનો માર મારીને લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો, જેના કારણે તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અંગે શાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
બીજી ઘટના ધોરાજીના ફરેણી રોડ વિસ્તારની છે, જ્યાં રહેતા ટીનાભાઇ પ્રભુભાઇ ઠાકોર પર ચાર શખ્સોએ મળીને જીવલેણ હુમલો કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ટીનાભાઈ પોતાના વિસ્તારમાં હાજર હતા ત્યારે ત્યાં રહેતા શૈલેષ ઠાકોર, અમર ઠાકોર, અમૃત ઠાકોર અને દશરથ ઠાકોર નામના ચાર શખ્સો તેમની સાથે અકારણ ઝઘડે ચડ્યા હતા. આરોપીઓએ ટીનાભાઈને 'સામું કેમ જોવે છે?' તેવું કહીને ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી કરી હતી. ત્યારબાદ મામલો એટલો વધી ગયો કે આરોપીઓએ લાકડાના ધોકા અને પાઇપ વડે ટીનાભાઈ પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા ટીનાભાઈએ ધોરાજી સીટી પોલીસ મથકમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
ત્રીજી ઘટના ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે આવેલી હરીસધ્ધી સોસાયટીમાં બની હતી, જ્યાં રહેતા મયુરધ્વજસિંહ અનીરૂધ્ધસિંહ જાડેજાને તેના જ વિસ્તારના બે શખ્સો દ્વારા જાનથી મારી નાખવાની ગંભીર ધમકી આપવામાં આવી હતી. આ ઘટનામાં સહદેવસિંહ કનુભા વાઢેર અને વિક્રમસિંહ ગુલાબસિંહ જાડેજા નામના બે શખ્સોએ મયુરધ્ધવજસિંહ સાથે બોલાચાલી કરી હતી. આરોપીઓએ વાતચીતમાં ઉશ્કેરાઈને મયુરધ્ધવજસિંહને છરી પરોવી દેવાની અને શરીરના ટાંટીયા ભાંગી નાખવાની ગર્ભિત અને ખુલ્લી ધમકીઓ આપી હતી. આ બનાવ સંદર્ભે મયુરધ્ધવજસિંહે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં બંને આરોપીઓ વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે. ઉપરોક્ત ત્રણેય બનાવોમાં પોલીસે ફરિયાદો નોંધીને કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt