ક્રેડિટ કાર્ડમાં હેલ્થ ઇન્સ્યોરન્સ બંધ કરાવવાના નામે ગોંડલ માર્કેટિંગ યાર્ડના વેપારી સાથે રૂ.1.99 લાખનું સાયબર ફ્રોડ
રાજકોટ, 13 ઓક્ટોબર (હિ.સ.) : ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરતા એક યુવકના માતાના ક્રેડિટ કાર્ડમાંથી સાયબર માફિયાઓએ રૂ.1.99 લાખની રકમ ઉપાડી ઠગાઈ આચરી હોવાનો બનાવ સામે આવ્યો છે. એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ વિભાગના કર્મચારી તરીકે ઓળખ આપી હેલ્થ ઇન્
સાયબર ફ્રોડ


રાજકોટ, 13 ઓક્ટોબર (હિ.સ.) : ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરતા એક યુવકના માતાના ક્રેડિટ કાર્ડમાંથી સાયબર માફિયાઓએ રૂ.1.99 લાખની રકમ ઉપાડી ઠગાઈ આચરી હોવાનો બનાવ સામે આવ્યો છે. એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ વિભાગના કર્મચારી તરીકે ઓળખ આપી હેલ્થ ઇન્સ્યોરન્સ ચાલુ થઈ ગયો હોવાનું જણાવી દર મહિને રૂ.4,000 ચાર્જ લાગશે તેવી ભીતિ બતાવવામાં આવી હતી. ઇન્સ્યોરન્સ બંધ કરવાના નામે વેબસાઈટ પર લોગિન કરાવી આ રકમ ખંખેરી લેવામાં આવી હતી. બનાવ અંગે સોમવારે ગોંડલ બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત અનુસાર, ગોંડલના ગુંદાળા રોડ સ્થિત ગણેશનગર-2માં રહેતા અને નવા માર્કેટીંગ યાર્ડમાં ‘બાલધા ટ્રેડર્સ’ નામે વેપાર કરતા 22 વર્ષીય મીત ઓધવજીભાઈ બાલધા ઘરે હાજર હતા ત્યારે તેમના કાકી રેખાબેનના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે હિન્દી ભાષામાં એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાંથી બોલતો હોવાની ઓળખ આપી હતી અને ક્રેડિટ કાર્ડ અંગે પૂછપરછ કરી હતી. કાકીને વધુ માહિતી ન હોવાથી તેમણે ફોન મીતભાઈને આપ્યો હતો.

સામેવાળી વ્યક્તિએ ક્રેડિટ કાર્ડમાં હેલ્થ ઇન્સ્યોરન્સનું ઓટો પેમેન્ટ ચાલુ થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. આ ક્રેડિટ કાર્ડ માતા રતનબેન બાલધાના નામે હતું અને તેમાં મોબાઈલ નંબર કાકી રેખાબેનનો રજિસ્ટર્ડ હતો. ફોન કરનારે જણાવ્યું કે જો ઇન્સ્યોરન્સ ચાલુ રાખવો હોય તો દર મહિને રૂ.4,000 ચાર્જ લાગશે. યુવકે આ કાર્ડ લાઈફ ટાઈમ ફ્રી હોવાનું અને ઇન્સ્યોરન્સની જરૂર ન હોવાનું જણાવતા, સામેવાળા શખ્સે ચાર્જ બંધ કરવા માટે બેંકની વેબસાઈટ પર લોગિન કરી વેરિફિકેશન કરવા સૂચના આપી હતી.

જે બાદ સૂચના મુજબ ગૂગલમાં જઈ એચડીએફસી બેંકની વેબસાઈટ ખોલી કાકીનો નંબર નાખતા જ પેજ આપોઆપ લોડ થવા લાગ્યું હતું. થોડીવારમાં મોબાઈલમાં ઓટીપી આવ્યા બાદ તુરંત ક્રેડિટ કાર્ડમાંથી રૂ.97,850 ના ટ્રાન્ઝેક્શનનો મેસેજ આવ્યો હતો. ગભરાઈ ગયેલા યુવકે ઈન્ટરનેટ બંધ કરી દીધું હોવા છતાં, બીજો ઓટીપી આવ્યો અને વધુ રૂ.1,01,970 ઉપડી ગયાનો મેસેજ મળ્યો હતો.

યુવકે તાત્કાલિક એચડીએફસી પેઝેડએપ દ્વારા તમામ ટ્રાન્ઝેક્શન અને ક્રેડિટ કાર્ડ બ્લોક કર્યા હતા. ત્યારબાદ બેંકમાં રૂબરૂ જઈ તપાસ કરતા કુલ રૂ.1,99,820 ની રકમ ઉપડી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે સાયબર હેલ્પલાઈન પર અરજી કરવામાં આવતા ગોંડલ બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી સાયબર ફ્રોડ આચરનાર શખ્સની શોધખોળ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande