
રાજકોટ, 13 ઓક્ટોબર (હિ.સ.) :
રાજકોટના સૌથી જૂના અને અગ્રણી લાખાજીરાજ રોડ માર્કેટના વેપારીઓ રસ્તા પરના અસહ્ય દબાણો અને ફેરીયાઓના ત્રાસથી તંગ આવી ગયા છે. તહેવારો ટાણે જ પથારાવાળાઓને કારણે ગ્રાહકો દુકાનો સુધી પહોંચી શકતા ન હોવાથી ધંધા ભાંગી પડ્યા છે. છેલ્લા પાંચ વર્ષથી સતત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે આક્રોશિત વેપારીઓએ મ્યુનિસિપલ કોર્પોરેશન પહોંચીને પોતાની દુકાનોની ચાવીઓ કમિશનરને સોંપી દેવાની તૈયારી દર્શાવી છે.
લાખાજીરાજ રોડ પર ત્રિકોણબાગથી નવાનાકા સુધીમાં આવેલી આશરે ૧૦૦ જેટલી નાની-મોટી દુકાનો અને શોરૂમના માલિકો નિયમિતપણે તમામ પ્રકારના સરકારી વેરા ચૂકવે છે. આમ છતાં, શનિ-રવિ અને તહેવારોના દિવસોમાં બહારગામથી આવતા ફેરીયાઓ દુકાનોની બહાર જ પથારા લગાવીને બેસી જાય છે. ૫૦ ટકા ભાવે માલ વેચતા આ ફેરીયાઓને કારણે લાખો રૂપિયાનું રોકાણ કરનારા કાયમી વેપારીઓનો વેપાર ઠપ્પ થઈ ગયો છે.
સ્થાનિક વેપારી એસોસિએશનના હોદ્દેદારોએ વર્ષ ૨૦૨૧થી કમિશનર, મેયર, ધારાસભ્યો અને કોર્પોરેટરોને અસંખ્ય રજૂઆતો કરી છે. તંત્ર દ્વારા માત્ર બે દિવસ દબાણ હટાવવાની ડ્રાઈવ ચલાવીને સંતોષ માની લેવાય છે. સુરક્ષા સ્ટાફ અને વિજિલન્સની ટીમ હાજર હોવા છતાં ફેરીયાઓ પરિવાર સાથે રસ્તા પર અડિંગો જમાવી ન્યુસન્સ ઉભું કરે છે, જેના કારણે ગણેશ ઉત્સવ બાદ હવે દિવાળીના તહેવારોમાં પણ વેપારીઓની રોજીરોટી પર ભારે સંકટ વાદળો ઘેરાયા છે.
આજે સવારે કમિશનરની ગેરહાજરીમાં વેપારીઓએ મેયર ડો. નેહલ શુક્લ સમક્ષ પોતાની હૈયાવરાળ ઠાલવી હતી. વેપારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે જો તંત્ર કાયમી ઉકેલ નહીં લાવે તો મોંઘીદાટ દુકાનો બંધ કરીને રસ્તા ફેરીયાઓને હવાલે કરી દેવા સિવાય કોઈ માર્ગ બચશે નહીં. વેપારીઓએ વિનંતી કરી હતી કે આ જૂની અને ઐતિહાસિક માર્કેટનું અસ્તિત્વ બચાવવા માટે તહેવારો પહેલા જ નક્કર કાર્યવાહી કરવામાં આવે.
રજૂઆત સાંભળ્યા બાદ મેયરે વેપારીઓને સાંત્વના આપતા જણાવ્યું હતું કે દુકાનોની ચાવીઓ સોંપવાની કોઈ જરૂર નથી. શહેરમાં ધર્મેન્દ્ર રોડ અને લાખાજીરાજ રોડ સહિત ૨૪ રસ્તાઓ માટે 'નો-હોકર્સ ઝોન' પોલિસી તૈયાર થઈ ચૂકી છે. તહેવારો બાદ આ નીતિનો કડક અમલ કરીને રસ્તાઓ દબાણમુક્ત કરવામાં આવશે. સાથે જ મેયરે વેપારીઓને પણ અપીલ કરી હતી કે તેઓ પોતે દુકાનો બહાર માલનું દબાણ ન કરે જેથી તંત્રને કામગીરી કરવામાં સરળતા રહે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt