
રાજકોટ, 13 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ શહેરના કુવાડવા રોડ પર ડી-માર્ટ પાછળ આવેલી શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં હૃદયદ્રાવક અને સનસનાટીભરી ઘટના સામે આવી છે. ટાઉનશીપની સી-વિંગમાં પાંચમા માળેથી બે વર્ષ અને ચાર મહિનાની માસૂમ બાળકી સ્નેહલ સંજયભાઈ સાકરિયાને નીચે ફેંકી દઈ કરૂણ મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને ખળભળાટ વ્યાપી ગયો છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના અકસ્માત નહીં પરંતુ વિકૃત માનસિકતા ધરાવતા કોઈ શખ્સ દ્વારા કરાયેલી ધ્રુષ્ટતા હોવાની પ્રબળ શંકા સાથે બી-ડિવિઝન પોલીસ મથકના પીઆઈ જી. આર. ચૌહાણ અને તેમની ટીમે ઘટનાસ્થળે પહોંચી ઝીણવટભરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મૃતક બાળકીના પિતા સંજયભાઈ વશરામભાઈ સાકરિયા સંત કબીર રોડ પર આવેલી રાજારામ સોસાયટી (શક્તિ સોસાયટી) પાસે રહે છે અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે. ત્રણ વર્ષ પહેલાં તેમના લગ્ન પૂનમબેન સાથે થયા હતા. પરંતુ પતિ-પત્ની વચ્ચે મનમેળ ન હોવાના કારણે પૂનમબેન છેલ્લા એક વર્ષથી રિસામણે આવીને પોતાના પિયરમાં શહીદ ઉધમસિંહ ટાઉનશીપના સી-વિંગમાં ફ્લેટ નંબર ૫૦૪માં રહેતા હતા. બે વર્ષીય બાળકી સ્નેહલ પણ પોતાની માતા સાથે નાના જગદીશભાઈ બાબુભાઈ પરસોડા (કોળી), નાની, મામા અને મામી સાથે રહેતી હતી. સોમવારે સાંજે આશરે સાતેક વાગ્યાના સુમારે સ્નેહલ પોતાના નાનાના પાંચમા માળના ફ્લેટમાંથી ઉપરના છઠ્ઠા માળે રહેતા પરિવારની એક બાળકી સાથે રમવા માટે જવા નીકળી હતી. ઘરમાંથી નીકળ્યાના ગણતરીની મિનિટોમાં જ આ ભેદી ઘટના ઘટી હતી.
બાળકી ઘરમાંથી નીકળ્યા બાદ એક બાળકે આવીને સ્નેહલ પડી ગઈ હોવાની જાણ કરી હતી. પરિવારે તાત્કાલિક દાદરા તરફ દોટ મૂકી હતી પરંતુ બાદમાં માલૂમ પડ્યું હતું કે સ્નેહલ દાદરા પરથી લપસી નથી પરંતુ પાંચમા માળેથી સીધી નીચે પાર્ટી પ્લોટ તરફ ફેંકાઈ ગઈ છે. આ દ્રશ્ય જોઈ પરિવારજનો અને સ્થાનિકો સ્તબ્ધ થઈ ગયા હતા. ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે માસૂમ સ્નેહલનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
ઘટના અંગે પોલીસને જાણ કરાતા બી-ડિવિઝન પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ બાળકીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં મંગળવારે સવારે ફોરેન્સિક પીએમ હાથ ધરવામાં આવ્યું હતું.
આ ઘટના અંગે મૃતક બાળકીના નાના જગદીશભાઈ પરસોડાએ ગંભીર આક્ષેપો સાથે શંકા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યા મુજબ બાળકી જે જગ્યાએથી નીચે પટકાઈ છે ત્યાં આશરે ચાર ફૂટ જેટલી ઊંચી દીવાલની પાળી આવેલી છે. માત્ર બે વર્ષ અને ચાર મહિનાની બાળકી પોતાની જાતે આટલી ઊંચી દીવાલ પર ચડીને નીચે પડી જાય તે શક્ય જ નથી. આ સ્થિતિ જોતા જ સ્પષ્ટ થાય છે કે કોઈએ તેને ઊંચકીને નીચે ફેંકી દીધી છે. જગદીશભાઈએ વધુમાં ખુલાસો કર્યો હતો કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી સી-વિંગના પાંચમા માળે રહેતા ફ્લેટધારકો સાથે કોઈ અજ્ઞાત શખ્સ અજીબ અને વિકૃત હરકતો કરી રહ્યો હતો. ગેલેરી કે બહાર સુકાતા કપડાં, ચાદર, ગોદડાં અને બહાર રાખેલાં ચંપલ-બૂટ ઉપાડીને કોઈ નીચે કે પાછળના પાર્ટી પ્લોટમાં ફેંકી દેતું હતું.
આ ઉપરાંત ઘટના બની તેના થોડા સમય પહેલાં જ પાંચમા માળે બાજુમાં રહેતા વર્ષાબેન બ્રાહ્મણ નામના વૃદ્ધાના ફ્લેટ બહાર રાખેલા ફૂલછોડના બે કૂંડા પણ કોઈએ નીચે ફેંકી દીધા હતા. જગદીશભાઈની શંકા મુજબ, જ્યારે માસૂમ સ્નેહલ રમવા માટે ઉપર જઈ રહી હતી ત્યારે કદાચ આ કૂંડા કે વસ્તુઓ ફેંકનારા વિકૃત શખ્સને તેણે જોઈ લીધો હોવો જોઈએ. પોતાની પોલ ખુલ્લી પડી જવાની બીકે અથવા પોતાની વિકૃત માનસિકતાના કારણે તે શખ્સે આ માસૂમ બાળકીને પાંચમા અને છઠ્ઠા માળ વચ્ચેના દાદરા પાસેથી પકડીને નીચે ફેંકી દીધી હોવાની પૂરેપૂરી શક્યતા છે.
અન્ય એક કરૂણતા એ સામે આવી છે કે જગદીશભાઈ અને ફ્લેટના અન્ય રહીશો આવી અસામાજિક અને વિકૃત હરકતોથી પરેશાન થઈને પોતાના ફ્લેટ બહાર સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન કરી રહ્યા હતા. ગત દિવસે જ તેમણે કેમેરા મંગાવી લીધા હતા અને મંગળવારે જ ફ્લેટના દરવાજા બહાર કેમેરા ફિટ કરવાના હતા. પરંતુ કેમેરા ફિટ થાય તે પહેલાં જ આ ઘાતકી ઘટનાને અંજામ આપી દેવામાં આવ્યો હતો. ટાઉનશીપમાં નીચેના ભાગે સીસીટીવી કેમેરા આવેલા છે પરંતુ ઉપરના માળ પર કેમેરા ન હોવાના કારણે આ કૃત્ય કરનાર અજાણ્યા શખ્સ સુધી પહોંચવું પોલીસ માટે એક મોટો પડકાર બની રહ્યું છે.
બી-ડિવિઝન પોલીસ મથકની ડી. સ્ટાફની ટીમ દ્વારા હાલ ટાઉનશીપના રહીશો, આસપાસના લોકો તેમજ શંકાસ્પદ વ્યક્તિઓની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વિધિવત રીતે હત્યાનો ગુનો દાખલ કરીને આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. એક વર્ષથી પિયરમાં રહીને પોતાની માસૂમ દીકરીનો ઉછેર કરી રહેલા પૂનમબેને પોતાની એકની એક દીકરી ગુમાવતા સમગ્ર પરિવારમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt