


પોરબંદર, 13 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર શહેરની ઐતિહાસિક ધરોહરોના સંરક્ષણ અને
શહેરી સુવિધાઓના વિકાસને પ્રાધાન્ય આપતાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને પોરબંદર મહાનગરપાલિકાના
મેયર સાગર મોદીએ પોરબંદરની 137 વર્ષ જૂની ઐતિહાસિક સ્ટેટ હેરિટેજ લાઇબ્રેરી
તથા શહેરની સ્મશાનભૂમિ ખાતે સ્થળ મુલાકાત લઈ ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી
હતી.
આ મુલાકાત દરમિયાન સ્ટેટ હેરિટેજ લાઇબ્રેરીના પુનર્વિકાસ, સંરક્ષણ અને આધુનિકીકરણની કામગીરી અંગે
વિગતો મેળવવામાં આવી હતી. અંદાજે 59,000થી વધુ પુસ્તકોનો અમૂલ્ય ખજાનો ધરાવતી આ
લાઇબ્રેરી પોરબંદરના સાહિત્યિક, સાંસ્કૃતિક
અને બૌદ્ધિક વારસાનું ગૌરવ છે. આ ઐતિહાસિક ધરોહરનું મૂળ સ્થાપત્ય અને સાંસ્કૃતિક
વૈભવ અક્ષુણ્ણ રહે તે સાથે ડિજિટલ યુગની જરૂરિયાતોને અનુરૂપ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ
કરાવવાના અભિગમ સાથે અહીં સંરક્ષણ અને આધુનિકીકરણની કામગીરી પ્રગતિ હેઠળ છે.
આ
કામગીરીની સમીક્ષા દરમિયાન ઐતિહાસિક વારસાની જાળવણી સાથે લાઇબ્રેરીને વધુ
સુવિધાસભર બનાવવાના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ સ્મશાનભૂમિ ખાતે
ચાલી રહેલાં વિકાસકામોની પણ સ્થળ મુલાકાત લઈ સમીક્ષા કરવામાં આવી હતી. અહીં સિટીંગ
એરિયાના સ્લેબનું નવીનીકરણ,
આગળની ચાર ઓફિસોનું રિનોવેશન તેમજ
લાકડાં રાખવા માટેના જૂના સ્ટોરરૂમને તોડી તેના સ્થાને નવો સ્ટોરરૂમ બનાવવાની
કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને મેયર સાગર મોદીએ સંબંધિત અધિકારીઓ પાસેથી કામગીરીની પ્રગતિ અંગે વિગતો મેળવી હતી અને તમામ
કામો ગુણવત્તાના ધોરણો જાળવી સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત
સ્મશાનભૂમિ ખાતે બીજા તબક્કામાં હાથ ધરાનાર વિકાસકામોના આયોજન અંગે સમીક્ષા
કરવામાં આવી હતી, જેથી નાગરિકોને વધુ સુવિધાસભર વ્યવસ્થા
ઉપલબ્ધ કરાવી શકાય. આ મુલાકાત દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમ ઓડેદરા, નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી
તથા સિટી એન્જિનિયર જયદીપસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya