
જુનાગઢ,13 ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર આઈ.આર.વાળાના અધ્યક્ષ સ્થાને સ્વદેશી મેળા વર્ષ 2026 ના પૂર્વ આયોજન અંગેની સમીક્ષા બેઠક યોજાઇ હતી. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન, ગાંધીનગર દ્વારા વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા “મેક ઇન ઇન્ડિયા”, “આત્મનિર્ભર ભારત” અંતર્ગત તમામ ભારતીયો સ્વદેશી વસ્તુઓનો વપરાશ કરે તે હેતુથી હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન અમલમાં મુકવામાં આવ્યું છે. જે મુજબ મહાનગરપાલિકા તંત્ર જૂનાગઢ દ્વારા આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખતા “સ્વદેશી મેળા” યોજવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે.
જે અન્વયે મહાનગર પાલિકા, જૂનાગઢ કક્ષાએ સ્વદેશી મેળા – ૨૦૨૬ નું આયોજન 22 ઓક્ટોબરથી 02 નવેમ્બર સુધી એ.જી. સ્કુલ ગ્રાઉન્ડ, સમય સવારે 11 થી રાત્રીના 10 વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં સ્વ સહાય જૂથના બહેનો દ્વારા હસ્તકલાની વિવિધ ચીજ વસ્તુઓ જેમ કે તોરણ, ટોડલીયા, દીવા, દિવાળી ડેકોરેશન પ્રોડકટસ, પંચગવ્યમાંથી બનેલી ચીજવસ્તુઓ, પ્રાકૃતિક ખેતપેદાશને લગત સ્ટોલ, મડ વર્ક, રેઇસીન આર્ટ, લોકલ કારીગરોના સ્ટોલ, બાળકો માટે ગેમઝોનની વ્યસ્થા, ફૂડ કોર્ટ, રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમો, આંગણવાડી સ્ટોલ, મેડીકલ ટીમ, સેનિટેશન વિભાગ દ્વારા કચરાના સેગ્રીગેશન માટેનો જન જાગૃતિ સ્ટોલ વગેરેનું આયોજન કરવામાં આવશે.
તેમજ પર્યાવરણ બચાઓના સંદેશ સાથે નો પ્લાસ્ટિક યુઝ એ થીમ સાથે સમગ્ર સ્વદેશી મેળાના કાર્યક્રમનું આયોજન થયું છે. તેથી કાર્યક્રમમાં કોઈપણ વ્યક્તિ પ્લાસ્ટિક સાથે પ્રવેશ કરી શકશે નહીં.
કાર્યક્રમના પૂર્વ આયોજનના ભાગરૂપે પાર્કિંગ વ્યવસ્થા, સાફ સફાઇ, પીવાનું પાણી, ફર્સ્ટ એઇડ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા, મંડપ, સ્ટેજ લે આઉટ, મોબાઈલ શૌચાલયની વ્યવસ્થા, પ્રચાર પ્રસાર માટેના હોર્ડિંગ્સ બેનર્સ ઇન્વિટેશન કાર્ડસ વગેરે સુચારું સંચાલન અને આયોજન માટે સમગ્ર સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સંલગ્ન વિભાગના અધિકારીગણ ઉપસ્થિત રહયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ